પતિ-પત્નીએ એક જ દિવસે ખિતાબ જીતીને રૂ. ૧.૯૪ કરોડનું ઇનામ મેળવ્યું

ફિલાલ્ડેલ્ફિયાઃ મિસ્રના એક દંપતીએ રમતની દુનિયામાં નવો ઇતિહાસ રચ્યો છે. આ દંપતીએ આ કમાલ કરી છે સ્ક્વોશની રમતમાં. તેઓ એક જ દિવસે, એક જ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનનાર દુનિયાનું પહેલું દંપતી બની ગયું છે. મિસરમાં રહેતા અલી ફરગ અને તેની પત્ની નૂર અલ તૈયબે અમેરિકામાં યુએસ ઓપનની સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં પોતપોતાના વર્ગમાં ખિતાબી જીત નોંધાવીને ઇતિહાસ રચી દીધો છે. આવું કરનાર આ બંને દુનિયાનાં પહેલાં પતિ-પત્ની બની ગયાં છે.

૨૪ વર્ષની નૂર અલ તૈયબે મહિલા સિંગલ્સમાં પોતાના જ દેશની રનીમ અલ વેલિલીને ૩-૨થી હરાવી. ૧૦મી ક્રમાંકિત નૂર તૈયબે પોતાનાથી ઊંચા ક્રમાંકવાળી રનીમને ૮-૧૧, ૧૧-૪, ૫-૧૧, ૧૧-૭, ૧૧-૫થી પરાજય આપ્યો.

ફિલાલ્ડેલ્ફિયામાં યોજાયેલા મુકાબલામાં પુરુષ સિંગલ્સમાં ૨૫ વર્ષીય અલી ફરગે મિસરના જ મોહંમદ અલ શોરબગીને ૩-૦ (૧૨-૧૦, ૧૧-૯, ૧૧-૮)થી માત આપી. ચોથા ક્રમાંકિત ફગે બીજા નંબરના શોરબગીને હરાવ્યો હતો. અલી ફરગ અને નૂર બંનેને ૯૭-૯૭ લાખ એટલે કે રૂ. ૧.૯૪ કરોડની ઇનામી રકમ મળી હતી. મેચ બાદ નૂરે જણાવ્યું કે, ”મારી મેચ જીતી લીધા બાદ હું મારા પતિની મેચ જોવા પગોંચી ગઈ. જોકે હું બહુ જ નર્વસ હતી.”

You might also like