EESL બજાર કરતાં ૩૦ ટકા સસ્તા ભાવે કરશે ACનું વેચાણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વીજ મંત્રાલય હેઠળ કામ કરતી જાહેર કંપની ઇઇએસએલ હવે સામાન્ય લોકોને ૩૦ ટકા સસ્તા દરે એસી ઉપલબ્ધ કરશે. આ એસી વીજળીની બચત કરવામાં બજારમાં વેચાતાં ફાઇવસ્ટાર રેટિંગ ધરાવતાં એસીની તુલનાએ વધુ સક્ષમ હશે અને ૪૦ ટકા વીજ બચત થશે. હાલ ઇઇએસએલ બજારમાં સસ્તા ભાવે એલઇડી બલ્બ, પંખા અને એલઇડી ટ્યૂબલાઇટ લોકોને ઉપલબ્ધ કરાવે છે.

સસ્તા પંખા અને ટ્યૂબલાઇટના વેચાણની કામગીરી વીજળી વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. એ જ રીતે લોકોને સસ્તા ભાવે એસી વેચવાની કામગીરી પણ ડિસ્કોમ દ્વારા હાથ ધરવામાં આવશે.

એસી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઇઇએસએલનાં સીજીએમ એસ.પી. ગરનાયકે જણાવ્યું હતું કે પાઇલટ પ્રોજેક્ટ માટે દિલ્હીમાં કામ કરતી ડિસ્કોમ ડીએસઇએસ રાજધાની સાથે કરાર કરવામાં આવ્યાં છે. આ વર્ષે દિવાળી સુધીમાં ૫૦ હજાર ગ્રાહકોને સસ્તા એસી આપવાની કામગીરી પૂર્ણ કરાશે. કંપનીએ ૫૦ હજાર એસી ખરીદવા ટેન્ડર પણ જારી કર્યાં છે.

You might also like