ઓછાં ઉત્પાદનનાં અનુમાનો પાછળ ખાદ્યતેલની આયાત ૯.૫ ટકા વધી શકે

મુંબઇ: દેશનાં કેટલાંક રાજ્યોમાં પાછલાં ચાર મહિનામાં કમોસમી વરસાદ પડ્યો છે અને તેના કારણે તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટાડો આવી શકે છે તેવી શક્યતાઓ પાછળ દેશમાં ખાદ્યતેલની આયાતમાં ૯.૫ ટકાનો વધારો થઇ શકે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે એક બાજુ સ્થાનિક બજારમાં વિવિધ ખાદ્યતેલની માગ ઊંચી છે તો બીજી બાજુ અપૂરતા સપ્લાય વચ્ચે આયાત વધી રહી છે.

સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫-૧૬ના નવેમ્બરથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ખાદ્યતેલની આયાત ૧૬૦ લાખ ટન રહેવાનું અનુમાન છે, જે વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૪૬.૧ લાખ ટનની હતી. એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે ખાદ્યતેલની ઓઇલ રિફાઇનરીઓ મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે. રિફાઇન્ડ તેલની વધુ આયાત થવાના કારણે સ્થાનિક ઓઇલ મિલો પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકતી નથી.

ઉલ્લેખનીય છે કે સરકારે સપ્ટેમ્બર મહિનામાં કાચા ખાદ્યતેલ પરની આયાત ડ્યૂટી ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી દીધી છે, જ્યારે રિફાઇન્ડ ખાદ્યતેલની આયાત પર ડ્યૂટી ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દીધી છે.

You might also like