ખાદ્યતેલના ભાવ ઘટી રહ્યા છે તો બીજી બાજુ ચણામાં તેજી

અમદાવાદ: દિવાળી પૂર્વે મગફળી તથા કપાસની આવકમાં વધારો નોંધાયો છે અને તેના કારણે એક બાજુ સિંગતેલ સહિત કપાસિયા તેલના ભાવમાં ધીમો પણ મજબૂત ઘટાડો નોંધાઇ રહ્યો છે તો બીજી બાજુ ચણાના ભાવમાં હજુ પણ ઊંચા મથાળે તેજીની ચાલ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક બજારમાં કપાસિયા તેલનો ભાવ ડબે ૧૩૧૦ની સપાટીએ જોવા મળી રહ્યો છે. એ જ પ્રમાણે ૧૫ લિટર સિંગતેલના ડબાનો ભાવ ૨૧૩૦ની સપાટીએ નોંધાતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક જ મહિનામાં કપાસિયા તેલમાં ૪૦થી ૬૦ રૂપિયા, જ્યારે સિંગતેલના ભાવમાં ૩૦થી ૫૦ રૂપિયાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે.

કાલુપુર ખાદ્યતેલના એક વેપારીના જણાવ્યા પ્રમાણે દિવાળી બાદ સિંગતેલનો ભાવ રૂ. ૨૦૦૦ની સપાટીની નીચે જોવાઇ શકે તેવી આશા છે. તેઓના જણાવ્યા પ્રમાણે એક બાજુ મગફળીની ઊંચી આવક તો બીજી બાજુ ડોલર સામે રૂપિયાની પણ મજબૂતાઇના પગલે આયાતી ખાદ્યતેલની પડતર પણ નીચી આવતાં સ્થાનિક બજારમાં ઓઇલ મિલર્સને ભાવ ઘટાડવાની ફરજ પડી છે. એટલું જ નહીં સ્ટોકિસ્ટોની પણ નવી લેવાલી અટકતાં ભાવમાં ખાસ કોઇ સુધારો જોવા મળ્યો નથી.

ચણાના ભાવમાં ઘટાડાની શક્યતા ઓછી
તહેવારોમાં ચણાની દાળ અને બેસનની ઊંચી માગના પગલે ચણાના ભાવમાં હજુ પણ મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં ચણા ૧૨૦થી ૧૩૦ની પ્રતિકિલોની સપાટીએ જોવા મળે છે. કાબૂલી ચણાના ભાવ ૧૪૦થી ૧૫૦ની સપાટીએ જોવા મળે છે. વેપારીઓના કહેવા પ્રમાણે દિવાળી પહેલા ચણાના ભાવ ઘટે તેની શક્યતા ઓછી છે.

You might also like