વિશ્વ કપનું ‘લક’ મિટાવશે ઈડનનું ‘બેડ લક’?

કોલકાતા: ૧૫ માર્ચે શરૂ થનારી ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની મુખ્ય ટૂર્નામેન્ટમાં ૧૯ માર્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યંત મહત્ત્વની મૅચ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાંથી ખસેડીને કોલકતાના ઈડન ગાર્ડન્સમાં યોજવાનું નક્કી થયું એને પગલે ઈડનમાં પાક સામે ભારતનો દેખાવ કેવો રહ્યો છે એ જાણવાનું રસપ્રદ બની રહેશે. દુનિયામાં ભવ્ય સ્ટેડિયમોમાં સામેલ ઈડન ગાર્ડન્સ ટીમ ઇન્ડિયા માટે મોટા ભાગે નસીબદાર રહ્યું છે.

નવાબ મન્સૂર અલી ખાન પટૌડીથી માંડીને મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતે અહીં ટેસ્ટ અને વન ડે મેચમાં ઘણી યાદગાર જીત હાંસલ કરી છે. સચીન, રાહુલ, લક્ષ્મણ સહિત ભારત ક્રિકેટના ઘણા દિગ્ગજોએ અહીં શાનદાર ઇનિંગ્સ રમી છે. આમ છતાં આ ઐતિહાસિક ગ્રાઉન્ડની સાથે એક ‘બેડલક’ પણ જોડાયેલું છે. આ મેદાન પર નિર્ધારિત ઓવર્સની મેચમાં ભારત પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને ક્યારેય હરાવી શક્યું નથી. ઈડનમાં ભારત-પાક. વચ્ચે અત્યાર સુધીમાં ચાર વન ડે રમાઈ છે અને એ ચારેય મેચ પાકિસ્તાને જીતી છે. આ મામલામાં ઈડનનું બેડલક ક્રિકેટ વિશ્વ કપ સાથે જોડાયેલા ટીમ ઇન્ડિયાના ગુડ લકને ધોઈ શકે છે.

વિશ્વ કપના ઇતિહાસમાં ભારત આજ સુધી ક્યારેય પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી. પછી એ ૫૦ ઓવરનો વિશ્વ કપ હોય કે ટી-૨૦. ભારત જો ૧૯ માર્ચે પાકિસ્તાન વિરુદ્ધ અહીં રમાનારી ટી-૨૦ વિશ્વ કપ મેચ જીતી લેશે તો ઈડનની સાથે લગભગ ત્રણ દાયકાથી જોડાયેલું મહેણું ભાંગી જશે. બીજી તરફ પાકિસ્તાનની પાસે ભાગ્યશાળી રહેલા ઈડનમાં પોતાના માથા પર વર્લ્ડકપમાં ભારત સામે હારી જવાનું કલંક મિટાવી શકવાની તક છે. આ હાઈ વોલ્ટેજ મેચની સાથે જ ઈડન એક ‘રેકોર્ડ તોડ’ મેચનું સાક્ષી બનવાનું છે.

ઈડન ગાર્ડન્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી જ વાર ટી-ટ્વેન્ટી મુકાબલો થશે. ઈડન ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) જેટલું જ વિશ્વમાં સૌથી લોકપ્રિય છે. ઈડનમાં સત્તાવાર રીતે ૬૬,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી બેઠકો છે. જોકે, બિનસત્તાવાર આંકડો એનાથી ઘણો વધુ રહેતો હોય છે.

ઈડનમાં પાકિસ્તાનની તરફેણ કરે એવા લોકો હજારોની સંખ્યામાં હાજર રહેતા હોય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ઈડનમાં ચાર વન-ડે રમાઈ છે અને ચારેયમાં પાકિસ્તાને જીત મેળવી છે. એ ઉપરાંત, આ સ્થળે પાકિસ્તાન અન્ય દેશો સામે બે વન-ડે પણ રમ્યું છે, જેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પાક.નો વિજય થયો છે, જ્યારે શ્રીલંકા સામે હાર થઈ છે. ઈડનમાં ભારત-પાકિસ્તાનની કુલ ૭ ટેસ્ટ રમાઈ છે, જેમાંથી પાંચ ડ્રૉ થઈ છે, એક ટેસ્ટમાં ભારત જીત્યું છે અને એકમાં પાકિસ્તાનની જીત થઈ છે.

ઈડન ગાર્ડન્સમાં ભારતે એકંદરે રમેલી મર્યાદિત ઓવરોની મૅચોની વાત કરીએ તો ૨૦ વન-ડેમાંથી ૧૧ મૅચમાં ભારતનો વિજય થયો છે, ૭ મૅચમાં પરાજય થયો છે અને બે મૅચનાં પરિણામ નથી આવ્યાં. ઈડનમાં ભારત-પાક વચ્ચે એક પણ ટી-ટવેન્ટી મેચ નથી રમાઈ. ઈડનમાં પાકિસ્તાને ૧૯૮૯ની સાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે ચાર વિકેટે જીતી લીધી હતી, પરંતુ ૧૯૯૭માં શ્રીલંકા સામે પાક ટીમનો ૮૫ રનથી પરાજય થયો હતો.

You might also like