ઈડન ગાર્ડન્સની ચાર ગેલેરી સેનાના જવાનોના નામ પર

કોલકાતાઃ રનવીરોના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગઈ કાલે રણવીરોની ધૂમ રહી. ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ (કેબ)એ સેનાના ચાર જાંબાઝ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ઈડનની ચાર ગેલેરીને તેમનું નામ આપ્યું. આ ચાર જવાનોમાં કર્નલ એન. જે. નાયર, હવાલદાર હંગપન દાદા, સુબેદાર જોગીન્દરપાલસિંગ અને લેફ્ટનન્ટ કર્નલ ધનસિંહ થાપા સામેલ છે.

ગઈ કાલે અહીં કોલકાતા અને દિલ્હીની મેચ પહેલાં સેનાના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ પ્રવીણ બક્ષીએ મરણોપરાંત અશોકચક્ર અને કીર્તિચક્રથી સન્માનિત કરાયેલા કર્નલ નાયરના નામ પર રાખવામાં આવેલી ગેલેરીનું અનાવરણ કર્યું હતું. કર્નલ નાયર ૧૯૯૩માં નાગાલેન્ડમાં ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં શહીદ થયા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ‘કેબ’ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હવાલદાર હંગપન દાદાના નામ પરની ગેલેરીનું અનાવરણ કર્યું હતું. હવાલદાર દાદા ગત વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામેની અથડામણમાં શહીદ થયા હતા. તેમને મરણોપરાંત અશોક ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

લેફ્ટનન્ટ જનરલ દુષ્યંતસિંહ અને કેબના સંયુક્ત સચીવ સુબીર ગાંગુલીએ સુબેદાર જોગીન્દરસિંહના નામ પર રાખવામાં આવેલી ગેલેરીનું અનાવરણ કર્યું હતું. જોગીન્દર જખમી હોય છતાં દુશ્મનો સામે લડતા રહ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ ગિરિરાજસિંહ અને કેબના સંયુક્ત સચિવ અભિષેક ડાલમિયાએ લેફ્. કર્નલ ધનસિંહ થાપાના નામવાળી ગેલેરીનું અનાવરણ કર્યું હતું. થાપાએ લદ્દાખમાં ચીની સેના સામે મોરચો ખોલ્યો હતો. તેમને પણ પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like