બ્લેક મનીના કેસમાં ઈડી દ્વારા ૪૨૮ ભારતીય સામે કાર્યવાહી શરૂ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેક્ટે (ઈડી) કાળાં નાણાંને લઈને સ્વિસ એચએસબીસીની ચોરાઈ ગયેલી યાદી બાદ તેમાં સંડોવાયેલા ભારતીયો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. ઈડીએ આ કેસોમાં હવાલા અને મની લોન્ડરિંગ હેઠળ એક સ્વતંત્ર પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. ઈડીએ જણાવ્યું હતું કે આ યાદીમાંથી અનેક કેસમાં પ્રથમ દર્શનીય રીતે વિદેશી વિનિયમ પ્રબંધન કાયદા (ફેમા) હેઠળ આરોપો બને છે. આમાંથી અનેક કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ શકશે.

એચએસબીસીની યાદીમાં કુલ ૬૨૮ ભારતીયોનાં નામો જાહેર થયાં હતાં. જેમાંથી ૨૦૦ એનઆરઆઈ છે. આ પૈકી ૪૨૮ કેસ કાર્યવાહી માટે યોગ્ય હોવાનું જણાયું હતું અને તેમાં રૂ. ૪૫૦૦ કરોડનું કાળું નાણું સંડોવાયેલું છે. ઈડીએ આ સંદર્ભમાં વિવિધ અદાલતોની રજિસ્ટ્રીમાંથી ૧૪૦ કંપનીઓ વિરુદ્ધ આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની વિગતો મેળવવાનું શરૂ કરી દીધું છે.

ઈડીના જણાવ્યા અનુસાર બ્લેકમની અંગે તે સ્વયં સીટની રચના કરવા ઈચ્છતા હતા, પરંતુ ટેક્સ વિભાગ દ્વારા વિદેશી સરકારો પાસેથી મળેલી માહિતી સાથે સંકળાયેલી કડક શરતોને ધ્યાનમાં લેતા તેમણે આ આગ્રહ અત્યાર સુધી જતો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ થોડા સમય માટે એવો નિર્ણય કર્યો છે કે દેશની વિવિધ અદાલતોની રજિસ્ટ્રીમાંથી આ કેસનો રિપોર્ટ મેળવીને તેની સમીક્ષા કરવી.

કેન્દ્ર સરકારે ફાઈનાન્સિલ ઈન્ટેલિજન્સની યુનિટ (એફઆઈયુ)ની ક્ષમતાને વધારી છે. એફઆઈયુ હવે કોઈપણ શંકાસ્પદ વ્યવહારો અંગે ૭૨ કલાકમાં પોતાનો રિપોર્ટ તૈયાર કરશે અને દેશની વિવિધ કાનૂની એજન્સીઓ દ્વારા તૈયાર અપરાધીઓના ખાનગી ડેટા બેઝ સુધી પહોંચ બનાવાશે. ઈડી દ્વારા જારી કરાયેલા તાજેતરના એક પરિપત્ર અનુસાર આઈપીસીની કલમ ૧૨૦બી હેઠળ નોંધાયેલા કેસોમાં ઈડી મની લોન્ડરિંગના આરોપ હેઠળ તપાસ કરી શકે છે.

You might also like