મની લોન્ડરિંગ: લાલુ પુત્રી મિસાનાં ત્રણ સ્થળ પર ઈડીના દરોડા

નવી દિલ્હી: રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. શુક્રવારે સીબીઆઈએ લાલુ યાદવનાં ૧૨ સ્થળ પર દરોડા અને રાબડીદેવી સહિત સમગ્ર પરિવારની પૂછપરછ કર્યા બાદ આજે સવારે એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે બેનામી સંપત્તિના કેસમાં લાલુ યાદવની પુત્રી મિસા ભારતી અને તેના પતિ શૈલેશકુમારનાં ત્રણ સ્થળે આજે દરોડા પાડ્યા છે.

ઈડીએ દિલ્હીના સૈનિક ફાર્મ વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસ, ઈન્દિરા ગાંધી એરપોર્ટ નજીક આવેલ ફાર્મ હાઉસ બીજવાસન અને ઘીટોરનીમાં તેમના સ્થળો પર દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં આ દરોડા પાડ્યા હોવાનું જણાવાય છે. તેમના સૈનિક ફાર્મ હાઉસની કિંમત રૂ. ૫૦ કરોડ માનવામાં આવે છે અને આ ફાર્મ ૨.૮ એકરમાં ફેલાયેલું છે.

મની લોન્ડરિંગ કેસમાં મિસા ભારતી અને તેના પતિ શૈલેશ પર રૂ. ૮,૦૦૦ કરોડનાં કાળાં નાણાંને સફેદ કરવાનો આરોપ છે. બેનામી સંપત્તિના કેસમાં ઘેરાયેલ મિસા ભારતી અને તેના પતિ શૈલેશકુમાર ૨૧ જૂને ઈન્કમટેક્સ વિભાગ સામે હાજર થયા હતા અને બંનેની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

આ અગાઉ એક મોટી કાર્યવાહી કરીને ૨૦ જૂને ઈન્કમટેક્સ વિભાગે દિલ્હીથી પટણા સુધી લાલુપ્રસાદના પરિવારની કેટલીય જંગી બેનામી સંપત્તિઓ જપ્ત કરી હતી. જેમાં લાલુની પત્ની રાબડીદેવી, પુત્ર તેજસ્વી યાદવ, પુત્રી મિસા ભારતી, જમાઈ શૈલેશકુમાર અને લાલુની અન્ય બે પુત્રી રાગિણી અને ચંદા યાદવની બેનામી સંપત્તિનો સમાવેશ થાય છે.

લાલુની પુત્રી અને રાજદના એમએલએ વચ્ચે ૫૦૦ કરોડનો મોલ બનાવવાની ડીલ
રાજદના વડા લાલુપ્રસાદ યાદવ અને તેના પરિવાર પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને સીબીઆઈ દ્વારા પાડવામાં આવેલા દરોડા વચ્ચે એક મોટી ડીલ થઈ હોવાનો પર્દાફાશ થયો છે. લાલુ યાદવની પુત્રી ચંદા યાદવ અને તેમના જ પક્ષના ધારાસભ્ય સૈયદ અબુ દોજાના વચ્ચે પાટનગર પટણાના દાનાપુર વિસ્તારના સગુના મોડ પર ત્રણ એકરના જમીનના પ્લોટ પર મોલ બનાવવાની છે.

આ મોલને બિહારનો સૌથી મોટો શોપિંગ મોલ માનવામાં આવે છે. સીબીઆઈ આ ડીલના રેકોર્ડ તપાસી રહી છે. ચંદા અને અબુ દોજાના વચ્ચે આ કરાર ૫ મે ૨૦૧૬ના રોજ થયો હતો. કરાર અનુસાર મોલના ૫૭ ટકા ભાગ પર ચંદા યાદવનો હિસ્સો હશે અને ૪૩ ટકા ડેવલપરનો હિસ્સો હશે એવું નક્કી થયું છે.
http://sambhaavnews.com/

You might also like