લાલુ યાદવની પુત્રી અને જમાઈની આજે ઈડી દ્વારા પૂછપરછ

નવી દિલ્હી: રેલવે ટેન્ડરમાં ફસાયેલા આરજેડીના પ્રમુખ લાલુ યાદવના પરિવારને વધુ એક ઝટકો લાગે તેમ છે. આજે ઈડી લાલુ યાદવની પુત્રી મિસા ભારતી અને જમાઈ શૈલેશની પૂછપરછ કરશે. જેનાથી આ કેસમાં તેમની મુશ્કેલી વધી શકે તેમ છે. ઈડીએ આ અંગે લાલુ યાદવ અને તેમના જમાઈને પૂછપરછ માટે નોટિસ પાઠવી હતી.

પ્રવર્તન નિદેશાલય(ઈડી)એ છ માસ પહેલાં જ શૈલેશને તેનું ફાર્મ હાઉસ જપ્ત કરવા નોટિસ પાઠવી હતી. અને આ અંગે શૈલેશ તરફથી રજૂ કરવામાં આવેલા જવાબથી ઈડીને સંતોષ થયો નથી. તેથી આજે દિલ્હીના ૨૬ પાલમ માર્ગ ખાતેના ફાર્મ હાઉસમાં ઈડી શૈલેશની પૂછપરછ કરશે. આ અંગે અગાઉ થયેલા આક્ષેપ મુજબ શેલ કંપનીઓ દ્વારા શૈલેશે આ ફાર્મ હાઉસની ખરીદી કરી હોવાનંુ જણાવવામાં આવ્યું છે. જેમાં ચાર શેલ કંપનીઓ દ્વારા રૂપિયા એક કરોડ ૨૦ લાખ આવ્યા હતા.

જોકે આ અગાઉ પણ ગત જુલાઈમાં ઈડીએ મિસા અને શૈલેશનાં ઠેકાણાં પર દરોડા પાડયા હતા. અને બંનેની પૂછપરછ કરી હતી. તેમજ આ કેસમાં સીએ રાજેશ અગ્રવાલ સામે ઈડીએ અગાઉ આરોપનામું દાખલ કરી દીધું છે. અને હવે મિસા અને શૈલેશ સામે પણ આરોપનામું દાખલ થાય તેમજ તેમના ફાર્મ હાઉસને ગમે ત્યારે જપ્ત કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

You might also like