હવાલા કૌભાંડઃ દિલ્હીની કોટક મહિન્દ્રા બેન્કના મેનેજરની ધરપકડ

નવી દિલ્હીઃ હવાલા ઓપરેટરો સાથે સાઠગાંઠના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના કેજી માર્ગ સ્થિત કોટક મહિન્દ્રા બેન્કના મેનેજરની ધરપકડ કરી છે. ઈન્કમટેક્સ વિભાગની ટીમને કોટક મહિન્દ્રા બેન્કમાં ૧૫૦ નવા બનાવટી ખાતાં હોવાની જાણકારી મળી હતી અને આ ખાતાંઓ દ્વારા રૂ. ૧૦૦૦ કરોડનાં ટ્રાન્ઝેકશન થયાં હોવાનું બહાર આવ્યું છે.

ધરપકડ કરવામાં આવેલા બેન્ક મેનેજરને હવાલા ઓપરેટરો પારસમલ લોઢા અને રોહિત ટંડન સાથે કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. આ બનાવટી ખાતાંઓમાંથી મોટા ભાગના ખાતાં દિલ્હીની કોટક મહિન્દ્રા બેન્કના હતા. ઈન્કમટેક્સ વિભાગની ટીમો હવે કોટક મહિન્દ્રા બેન્કની તમામ શાખાની તપાસ કરવાની તૈયારી કરી રહી છે અને એવી શંકા છે કે હજુ વધુ બનાવટી ખાતાંઓની માહિતીનો પર્દાફાશ થશે.

હાલ જે બનાવટી ખાતાં ધ્યાન પર આવ્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે. બનાવટી ખાતાં ખોલવા માટે જમા કરાવવામાં આવેલા દસ્તાવેજોની પણ તપાસ થઈ રહી છે અને તેમાં થયેલા ટ્રાન્ઝેકશન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે જેમના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમની તેમજ ખાતાધારકોની પણ પૂછપરછ કરવામાં આવશે.

ધરપકડ કરાયેલા કોટક મહિન્દ્રા બેન્કના મેનેજરનું મોટું હવાલા કનેકશન પણ બહાર આવ્યું છે. ખાસ કરીને પારસમલ લોઢા સાથેના તેમના કનેકશન અંગે ઈન્કમટેક્સ અને ઈડી બંને તપાસ કરી રહ્યાં છે. રૂ. ૨૫ કરોડની નોટોને નવી નોટોમાં બદલવાના આરોપમાં પારસમલ લોઢાની ધરપકડ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like