આર્થિક નાકાબંધીથી નેપાળ ત્રાહીમામ : યૂનિસેફે બાળકો અંગે ચિંતા વ્યક્ત કરી

પટના : ત્રણ મહિનાથી ચાલી રહેલા મધેસી આંદોલનનાં કારણે નેપાળ સંપુર્ણ અશાંત છે. મધેશિયો આંદોલનનાં કારણે જીવન જરૂરી વસ્તુઓની ભારે તંગીના કારણે આખુ નેપાળ ત્રાહીમામ પોકારી રહ્યું છે. નેપાળનું સંપુર્ણ જનજીવન ખોરવાઇ ગયું છે. લાંબા સમયથી તો જીવન જરૂરી દવાઓ પણ નેપાળ સુધી નથી પહોંચી રહી. જેનાં કારણે લાખો બાળકો પર જીવનું જોખમ ઉભું થયું છે. આર્થિક નાકાબંધીનાં કારણે નેપાળમાં જીવન જરૂરી વસ્તુઓની તંગી ઉભી થઇ છે. લોકો ત્રણ ગણી કિંમતે જીવન જરૂરી વસ્તુઓ ખરીદી રહ્યા છે. દવાનાં અભાવનાં કારણે ઘણા બાળકોનાં જીવ પણ જતા રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.
નેપાળમાં થયેલી આર્થિક નાકાબંધીના કારણે માલવાહક વાહન સહિત પેટ્રોલિયમ પદાર્થ તથા એલપીજી ગેસ વગેરે નેપાળ નથી જઇ શકતા. જેનાં કારણે ત્યાંનું જનજીવન પ્રભાવિત થયું છે. ખાદ્યપદાર્થોની તો તસ્કરી થઇ રહી છે. મધેસી આંદોલનનાં કારણે નેપાળનાં બીરગંજ અને તેની આસપાસનાં વિસ્તારમાં તો પેટ્રોલ 400 રૂપિયે લિટર મળી રહ્યું છે. એલપીજી ગેસ પણ 7 કિલો 500 ગ્રામ જ આપવામાં આવી રહ્યું છે. ખાદ્યપદાર્થોનાં ભાવ પણ આભને આંબી રહ્યા છે. દરેક વસ્તુનાં ભાવ ત્રણથી ચાર ગણા વધી ગયા છે. એટલે સુધી કે મીઠાનાં એક પેકેટની કિંમત પણ 100 રૂપિયા થઇ ગઇ છે.
નેપાળનો મોટા ભાગનો હિસ્સો દવાઓ અને ઇંધણ માટે ભારત પર નિર્ભર છે. નાકાબંધીનાં કારણે ભારતમાંથી જીવનજરૂરી સામાન નથી પહોંચી રહ્યો. જેનાં કારણે નેપાળમાં રહી રહેલા લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાઠમાંડૂમાં ગેસનાં બાટલાનો ભાવ છ હજાર રૂપિયા થઇ ગયો છે. જે નેપાળી કરન્સી અનુસાર 10 હજાર રૂપિયા થાય છે. પહેલા એક ગેસનાં બાટલાની કિંમત નેપાળી કરન્સીમાં 1400 રૂપિયા હતી. જેથી મજબુર લોકો હવે ઇંધણ તરીકે લાકડા અને પેટ્રોલનો ઉપયોગ કરી રહ્યા છે.

You might also like