ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માટે રિવરફ્રન્ટ અને વસ્ત્રાપુર હાટમાં જગ્યાની ફાળવણી

અમદાવાદ: આગામી સપ્તાહથી ગણેશ ચતુર્થી અને ગણેશ ઉત્સવ શરૂ થઇ રહ્યો છે ત્યારે લોકોને ગણેશજીની પીઓપીમાંથી બનાવેલી પ્રતિમા નહીં ખરીદીને સાબરમતીને શુદ્ધ રાખવાના હેતુથી સરકારે શહેરના પ૦૦૦ મૂર્તિકારોને માટી આપવાનું શરૂ કર્યું છે. આજથી રિવરફ્રન્ટ અને વસ્ત્રાપુર હાટ ખાતે લોકો માટીથી તેમજ કાગળ કે કાથીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદી શકશે.

માટીના મૂર્તિકારો દ્વારા માટીની જ મૂર્તિનું વેચાણ થાય તે હેતુથી ૪૦ કિલોની એક એવી ૧૦ બેગ ૪૦૦ કિલો માટી સરકાર મોલ્ડ સાથે વિનામૂલ્યે પૂરી પાડી રહી છે. એટલું જ નહીં ફૂટ દીઠ પ્ર‌િ‌ત મૂર્તિ રૂ.૧૦૦ની સબસિડી પણ અપાશે અત્યાર સધી શહેરના પ૦૦૦ જેટલા કારીગર માટીની મૂર્તિ બનાવવાની તાલીમ લઇ ચૂક્યા છે. રૂ.૬૦૦૦ની ફુલ કિટ કારીગરોને પૂરી પાડવામાં આવી છે. એનઆઇડીની પાછળ આવેલા રિવરફ્રન્ટ ખાતે માટીની મૂર્તિ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરમાં મોટા ભાગની ગણેશજી અને દશામાની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવવામાં આવે છે. દર વર્ષે બે લાખથી વધુ મૂર્તિ વિસર્જિત કરવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાં જિપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પદાર્થો ઉપરાંત મૂર્તિ માટે વપરાશમાં લેવાતા રંગોમાં મરકર્યુરી, લીડ, કેડમિયમને કાર્બન હોવાના કારણે પાણીમાં એસડીટી અને મેટલનો વધારો થાય છે જે નદી તળાવ કે દરિયાના પાણીની વનસ્પતિને નુકસાન કરે છે. પાણીમાં ઝેર ઉત્પન્ન કરે છે. જેના કારણે હજારો માછલીઓનો ભોગ લેવાય છે. જેથી આ વર્ષે વધુ ને વધુ નાગરિકો માટીની મૂર્તિ ખરીદે અને કારીગરો પણ માટીની મૂર્તિ બનાવે તે માટે સબસિડી સહિતના પ્રોત્સાહન અપાઇ રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like