આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થશે

નવી દિલ્હી: વડા પ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ પૂરો થયા બાદ ચૂંટણીપંચ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરે તેવી સંભાવના છે. એક માહિતી મુજબ આજ સાંજ સુધીમાં ચૂંટણીપંચ જાહેરાત કરે તેવું લાગી રહ્યું છે.

હિમાચલપ્રદેશની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતિએ જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણીની તારીખ પણ હવે ટૂંક સમયમાં જાહેર થઈ જશે. એક માહિતી મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ૧૮ ડિસેમ્બરે થવાની છે. ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશની ચૂ્ંટણી ૯ નવેમ્બરે જાહેર કરી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે ૧૬ ઓક્ટોબરે અમદાવાદમાં યોજાયેલી વડા પ્રધાન મોદીની ચૂંટણી રેલીની ચૂંટણીપંચ રાહ જોઈ રહ્યું હતું અને હવે મોદીનો ગુજરાત પ્રવાસ પૂરો થઈ ગયો છે. તેથી હવે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના છે. હિમાચલની ચૂંટણીની જાહેરાત વખતે આજતકે મુખ્ય ચૂંટણી કમિશનર જોતિને પૂછ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર નહિ કરવા પાછળનું કારણ શું છે? તેના જવાબમાં જોતિને સુપ્રીમ કોર્ટના હવાલાથી જણાવ્યું હતું કે ૮૫ દિવસનો સમય ચૂંટણીની જાહેરાત અને મતદાન દિવસના અંતર માટે ઘણાે ગણી શકાય.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની મુદત જાન્યુઆરીમાં પૂરી થાય છે, પરંતુ હિમાચલની ચૂંટણી વહેલી જાહેર કરવા પાછળનું કારણ આ રાજ્યના કેટલાક જિલ્લામાં નવેમ્બરના ૧૫ દિવસમાં જ બરફવર્ષા થતી હોવાથી તેને ધ્યાનમાં લઈ ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હોવાનંુ જણાવ્યું હતું. બીજી તરફ વડા પ્રધાન મોદીના સતત ગુજરાત પ્રવાસના કારણે ચૂંટણીપંચે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી નથી તેવા કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ આક્ષેપ કર્યો હતો ત્યારે હવે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે, કારણ ગઈ કાલે મોદીએ ઘોઘા અને વડોદરા ખાતેની સભામાં પણ કેટલીક ચૂંટણીલક્ષી વાતો કરી હતી તેના પરથી એવું લાગે છે કે આજે ચૂંટણીની જાહેરાત થઈ જશે.

ગુજરાતની ચૂંટણી જાહેર નહિ કરવા પાછળ ચૂંટણીપંચે એવી વાત કરી હતી કે રાજ્યના કેટલાક જિલ્લામાં ગત માસે આવેલા પૂરના કારણે હજુ સ્થિતિ થાળે પડી નથી. તેથી આવા સંજોગોમાં ચૂંટણી જાહેર કરવી યોગ્ય બાબત ગણી શકાય નહિ તેમ માનીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી નથી તેવી સ્પષ્ટતા કરી છે.

You might also like