હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને વધુ એક ઝટકો, EBC ગણાવ્યું ગેરબંધારણીય

અમદાવાદઃ રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટે તરફથી વધુ એક ઝટકો મળ્યો  છે. હાઇકોર્ટે રાજ્યમાં સવર્ણોને 10 ટકા આર્થિક અનામત આપવાના સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવી ફગાવી દીધો છે. ઈબીસી અનામત સામે જાહેરહિતની અરજી કરનારા અરજદારોની માંગ હતી કે, આર્થિક આધાર પર ગુજરાત સરકારે જાહેર કરેલી વિશેષ અનામતને ગેરબંધારણીય ઠરાવવામાં આવે. સરકારના આ પગલાથી નાગરિકોના સમાનતાના અધિકાર અને અન્ય બંધારણીય જોગવાઈઓનું હનન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

તો આ તરફ અનામતની માંગને લઇને મક્કમ પાટીદારોએ હાઇકોર્ટના ચૂકાદા પર પ્રતિક્રિયા આપી છે. હાર્દિકે કહ્યું કે અમે અનામત ચાલું રાખીસું. સરકારે અમને ગેરમાર્ગે દોર્યા છે. અમે OBCમાં અનામતની માંગ કરી છે. તે માંગ અમારી ચાલું રહેશે. સત્તા પર કોઇ પણ અાવે અમે સમાજના હક માટે લડતા રહીશું.

તો આ તરફ હાઇકોર્ટના ચૂકાદા બાદ તરત જ કમલમ ખાતે ભાજપના અગ્રગણ્ય નેતાઓની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ ઇબીસી મુદ્દે નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે  અમે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લીધો હતો.  આ નિર્ણય જ્ઞાતિ આધારિત ન હતો. ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના યુવાનો અને વિદ્યાર્થીઓને તક મળે તે માટે નિર્ણય કર્યો હતો. બધા જ વર્ગ માટે તેમાં પણ ખાસ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાઇકોર્ટના આ ચૂકાદાને અમે સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. એસપીજીના લાલજી પટેલ અને પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ સરકાર સમક્ષ આર્થિક અનામતની માંગણી જ કરી હતી. તમામ જ્ઞાતિના લોકોને લાભ મળે તે માટે અમે નિષ્ઠાપૂર્વક આ પ્રયાસ કર્યો હતો અને કરતા રહીશું.

આ અંગે સરકારે દાવો કર્યો હતો કે તેમણે બંધારણીય અનામત સાથે કોઈ ચેડા કર્યા નથી. તેઓએ સમાજના આર્થિક રીતે પછાત વર્ગને સમાનતાના ધોરણે ટ્રીટમેંટ આપવાનો પ્રયાસ કર્યો છે. સરકારે દાવો કર્યો છે કે સરકારે જાહેર કરેલી આ અનામત બંધારણથી વિપરીત નથી અને બંધારણના અનુચ્છેદ કે સુપ્રીમ કોર્ટના હુકમનો આ અનામતના કારણે ભંગ થતો નથી. તો અરજદારોએ સરકારના સોગંદનામાં સામે વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકાર દ્વારા 1લી મે ગુજરાત સ્થાપનાં દિવસે વટહૂકમ બહાર પાડીને આર્થિક અનામતનો અમલ ચાલુ કર્યો હતો. આ માટે વાર્ષિક 6 લાખ રૂપિયાની મર્યાદા નિયત કરાઇ છે. નોંધનીય છે કે સવર્ણોને શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે  SC,ST અને OBCની 49 ટકા અનામત યથાવત્ત રાખવી.

You might also like