પૂર્વ ઝોનમાં ૧પ વિસ્તાર હીટવેવના હાઈ રિસ્ક એરિયા જાહેર થયા

અમદાવાદ: તાજેતરમાં શહેરના મેયર ગૌતમ શાહના હસ્તે મ્યુનિ. સત્તાવાળાઓએ હીટ એકશન પ્લાન-ર૦૧૬નો પ્રારંભ કર્યો હતો. કોર્પોરેશનમાં ર૦૧૩થી હીટ એકશન પ્લાન અમલમાં મુકાયો છે, હીટ એકશન પ્લાન હેઠળ પૂર્વ ઝોનના ૧પ સ્લમ વિસ્તારને હીટવેવના હાઇ રિસ્ક એરિયા જાહેર કરાયા છે. અગાઉ શહેરમાં ગરમી અંગેનું અનુમાન અમેરિકાની જ્યોર્જિયા ટેક. યુનિ. દ્વારા તંત્રને મળતું હતું, પરંતુ હવેથી અમદાવાદ સ્થિત સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા ગરમીની આગાહી મળવાની હોઇ આ એકશન પ્લાનને કોર્પોરેશન સ્વાયત્ત રીતે ચલાવી શકશે.

હીટ એકશન પ્લાન હેઠળ શહેરના વિવિધ ઝોનના સંભવિત હીટવેવના હાઇ રિસ્ક વિસ્તારને શોધી કઢાયા છે, જેમાં પૂર્વ ઝોનના કુલ ૧પ હાઇ રિસ્ક એરિયાને તપાસતાં નિકોલમાં સૌથી વધુ ચાર હાઇ રિસ્ક વિસ્તાર છે. ઓઢવમાં ત્રણ, ગોમતીપુર, રામોલ અને અમરાઇવાડીમાં બે-બે સ્લમ વિસ્તારનો સમાવેશ થાય છે.

પૂર્વના આ તમામ હાઇ રિસ્ક વિસ્તારોમાં મ્યુનિ. આરોગ્ય વિભાગ જનજાગૃતિની સઘન ઝુંબેશ ચલાવશે. આ વિસ્તારોમાં સ્થાનિક સામાજિક સંસ્થાઓ દ્વારા ચોખ્ખા પાણીની પરબ રાખવામાં આવશે. મે-ર૦૧૬થી એક મોબાઇલ પાણીની પરબ પણ ચાલુ કરવામાં આવશે.

હીટવેવના હાઇ રિસ્ક એરિયા પર નજર નાખતાં અમરાઇવાડીના આલ્કોક રોડનાં છાપરાં, અમરાઇવાડીમાં ન્યુ કોટન મિલનાં છાપરાં, નિકોલમાં અશ્વમેઘનાં છાપરાં, ભાઇપુરામાં ધીરજ હાઉસિંગ બોર્ડ, ગોમતીપુરમાં માનવ મોતી છાપરાં દરવાજા પાસે તથા ચકુડિયા મહાદેવ રોડ, નિકોલમાં દીનદયાળનાં છાપરાં, ભગવતીનગર રોડ તથા મનમોહનપાર્ક પાસે છાપરાં, ઓઢવમાં ખેતા વણજારાની ચાલી, વિરાટનગરમાં ક્રિષ્ણાપાર્ક પાછળનાં છાપરાં, રામોલમાં ચોવડીનાં છાપરાં અને જા‌િનયાપીરના ટેકરા પાસે તથા વાલ્મી‌િકવાસ જા‌િનયાપીરના ટેકરા પાસે, ઓઢવમાં ઇન્દિરાનગરનાં છાપરાં અને સ્મશાનગૃહની બાજુનાં છાપરાંનો સમાવેશ થાય છે.

You might also like