ભારતનો ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો રેન્ક સુધર્યો પણ હજુ ઘણું કરવાનું બાકી છે

કેટલાક નકારાત્મક સમાચાર વચ્ચે સારા સમાચાર આવ્યા છે. વિશ્વબેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેંકિંગમાં ભારત ર૩ આંકડાની છલાંગ લગાવીને ૭૭મા સ્થાને પહોંચી ગયું છે. ગત વર્ષે પણ ભારતે જોરદાર દેખાવ કરીને ૧૦૦મા નંબર પર સ્થાન મેળવ્યું હતું. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે આ છલાંગ મહત્ત્વની છે.

આવો રેન્ક આપવા માટે વિશ્વબેન્કે કેટલાક માપદંડ નક્કી કર્યા છે, જેમ કે બાંધકામની મંજૂરી, કંપનીનું રજિસ્ટ્રેશન, લોન કેટલી સરળતાથી મળે છે, ટેક્સનું માળખું, કર્મચારીઓની ભરતી અને છટણીના નિયમો વગેરે.

આ બધી બાબતો પર વિદેશી કંપનીઓના અભિપ્રાય લઇને જે તે દેશનો રેન્ક નક્કી કરવામાં આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશની આર્થિક પ્રગતિ માટે વિદેશી મૂડીરોકાણનું ઘણું મહત્ત્વ છે.

સીધા કે આડકતરા રોકાણથી દેશના હજારો–લાખો લોકોને રોજગારી મળે છે અને અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકાય છે. દરેક વિકાસશીલ દેશ વિદેશી કંપનીઓ પોતાના દેશમાં આવે તેવું ઇચ્છે છે અને તે માટે તમામ પ્રયાસ કરે છે. આ કંપનીઓ ત્યારે જ આવવાનું પસંદ કરે છે જ્યારે દેશની ઉદ્યોગનીતિ સરળ હોવા ઉપરાંત સરકારમાં પણ સ્થિરતા હોય.

વિદેશી રોકાણકારોને જરૂરી તમામ સહાય અને સગવડ સરળતાથી મળે અને તેમાં સરકારીતંત્રની હેરાનગતિ ઓછામાં ઓછી હોય તે પણ જરૂરી છે. ઇઝ ઓફ ડુઇંગ રેંકિંગ પણ બિઝનેસ માટે અનુકૂળ માહોલ દર્શાવે છે.

રેન્કિંગને જોઇ મોટી કંપનીઓ રોકાણ કરવું કે કેમ તે નક્કી કરે છે. તેમને એટલી ધરપત હોય છે કે તેમની મૂડી ડૂબી નહીં જાય. ર૦૦રમાં વિશ્વબેંકે આ રેન્કિંગની શરૂઆત કરી હતી.

જોકે આ રેન્કિંગની પોતાની મર્યાદા છે. વિશ્વબેન્ક જે તે દેશના ઉદ્યોગો માટે જાણીતાં મોટાં બે શહેરની પસંદગી કરીને નિષ્કર્ષ કાઢે છે. ભારત સાથે વેપાર કરવામાં સામાન્ય રીતે ઘણા દેશો એવી ફરિયાદ કરતા હોય છે કે તેમને વહીવટીતંત્રની જડતાનો સામનો કરવો પડે છે. વીજળી સહિતની સુવિધા મળવામાં પણ મુશ્કેલી પડે છે.

જોકે તેમાં હવે ઘણો સુધારો થયો છે. આર્થિક સુધારાની દિશામાં સરકારે ઘણી બધી પ્રક્રિયાને સરળ બનાવી છે, જેના કારણે ભારતનું રેન્કિંગ સુધર્યું છે, જોકે નિષ્ણાતો કહે છે કે ભારતે આટલાથી સંતોષ માનીને બેસી રહેવું ના જોઇએ. હજુ ઘણાં ક્ષેત્રમાં સુધારાની જરૂર છે.

આપણે ત્યાં નોકરશાહીનાં મૂળિયાં ઘણાં ઊંડાં છે. બિઝનેસ કરવા માટે ઘણાં ફોર્મ ભરવાં પડે છે. ભ્રષ્ટાચાર પણ મોટી આડખીલી છે. હકીકતમાં બિઝનેસ માટે વાતાવરણ સુધર્યું છે પણ તેનો લાભ જે સામાન્ય લોકોને મળવો જોઇએ તે હજુ મળતો નથી, જોકે એટલું આશ્વાસન જરૂર લઇ શકાય કે સુધારા સાચી દિશામાં થઇ રહ્યા છે.

સવાલ એવો પણ થાય છે કે વેપારનો માહોલ સુધર્યો છે, રોકાણ પણ આવી રહ્યું છે તો પછી નોકરીઓ ક્યાં છે? તેના વગર તો બજારમાં માગ પણ નહીં વધે અને અર્થવ્યવસ્થાને પણ તેજી નહીં મળે. સારા રેન્કિંગનો મતલબ ત્યારે જ છે જ્યારે ખરેખર તેનો લાભ તમામને મળે.

ભારતમાં ઉદ્યોગો સામે સૌથી મોટી અડચણ એનજીઓના નામે દુકાનો ખોલીને બેઠેલા કેટલાક કહેવાતા પર્યાવરણવાદીઓ પણ છે. તેઓ દરેક મોટી યોજના કે ઉદ્યોગનો પર્યાવરણ, ખેડૂતો, આદિવાસીઓ અને ગરીબોના નામે વિરોધ કરીને રોડાં નાખે છે.

હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઇને સ્ટે લઇ આવે છે. ક્યારેક હરીફ કંપનીઓના ઇશારે પણ એનજીઓના નામે રિટ કરીને નવા ઉદ્યોગને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. રાજકારણ પણ તેમાં ભાગ ભજવે છે.

વિપક્ષો પણ સમાજના પછાત અને ગરીબોના નામે હોબાળો મચાવીને માહોલ ખરાબ કરે છે, જેના કારણે કેટલાક રોકાણકારો મૂડીરોકાણ કરતાં ખચકાય છે. પર્યાવરણ અને આદિવાસીઓના નામે નર્મદા યોજના વર્ષો નહીં પણ દાયકાઓ સુધી વિલંબમાં મુકાઇ હતી.

You might also like