મનીલા: ફિલિપાઈન્સમાં ગઈ કાલે ૭.૩ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે ભૂકંપથી કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. યુએસના જિયોલોજિકલ સર્વેમાં જણાવ્યા અનુસાર જોલો આઈલેન્ડના દક્ષિણ પૂર્વમાં રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭.૩ હોવાનું જાણવા મળ્યું હતું. આ અગાઉ પણ પાંચ દિવસ પહેલાં પણ ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે આ દરમિયાન સુનામી અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. ભૂકંપના આંચકા સુલુ પ્રોવિન્સની બોન્ગુઈનગુઈ મ્યુનિસિપાલિટીથી ૧૩૦ માઈલ દૂર સેલેબસ સાગરમાં ૬૧૭ કિ.મી.ની ઉંડાઈએ અનુભવાયા હતા. યુએસજીએસના જણાવ્યા અનુસાર પાંચ દિવસ પહેલા પણ સેલેબસ સાગરમાં ૪.૭ ની તીવ્રતાના હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ફિલિપાઈન્સ દ્વીપ સમૂહ પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલું છે. જ્યાં ભૂકંપ અને જ્વાળામુખી સાથે સંકળાયેલી હિલચાલ સામાન્ય બાબત છે. ૧૯૯૦માં પણ લુજોન આઈલેન્ડ પર આવેલા ૭.૭ ની તીવ્રતાના ભૂકંપથી ૨૦૦૦ લોકોનાં મોત થયાં હતાં.
http://sambhaavnews.com/