ભૂકંપ પછી કચ્છનો ઔદ્યોગિક વિકાસ થતાં જિલ્લા બહારથી શ્રમજીવી સહિત અનેક લોકો રોજીરોટી મેળવવા આવે છે. જેમાં દિવસરાત મજૂરી કરતાં શ્રમજીવી માતાપિતાનાં બાળકો આમતેમ રખડીને સમય પસાર કરે છે. નાની ઉંમરનાં આ બાળકો તમાકુ, દારૂ કે જુગાર જેવાં દૂષણોનાં પણ આદી બની જાય છે. આવાં બાળકોને ભણાવવાનું સ્તુત્ય કાર્ય માધાપરની એક યુવતી કરી રહી છે.
ડૉ. આંબેડકર યુનિવર્સિટીમાં કાઉન્સિલર તરીકે કામ કરતાં પલ્લવી ઉપાધ્યાય માધાપરના નાના યક્ષ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલી મઢૂલીમાં બાળકોને અક્ષરજ્ઞાન અને પ્રાથમિક જ્ઞાન આપે છે. ભૂકંપ પછી કચ્છમાં ઇંગ્લેન્ડના લેસ્ટરની રૂશ મિડ હાઇસ્કૂલ દ્વારા બે શાળા શરૂ કરાઇ હતી તેના સહયોગથી જ આ વર્ગો ચાલે છે. બાળકોને જરૂરી શૈક્ષણિક સામગ્રી માટે દાતાઓ પણ આગળ આવે છે.
આ અંગે પલ્લવી કહે છે, “બાળકોને રખડતાં જોઇને મને તેમને ભણાવવાનો વિચાર આવ્યો. શરૂઆતમાં વાલીઓનો સહકાર ઓછો મળતો અને બાળકો પણ આવતાં ન હતાં, પરંતુ તેમના ઘરે જઇ સમજાવીને તેમને પાટીપેન આપીને અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કર્યું. તેમને વાર્તા સંભળાવીને ભણવા આવવા આકર્ષ્યાં. હવે બાળકો હોંશથી આવે છે. જોકે આવાં બાળકોના વાલીઓ એક જ જગ્યાએ સ્થિર રહેતા ન હોવાથી બાળકો નિયમિત ભણી શકતાં નથી. છતાં ત્રણ વર્ષમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૧૨ જેટલાં બાળકોને શાળા પ્રવેશ અપાવાયો છે. આ પ્રયાસોથી એકાદ-બે બાળક પણ જો નિયમિત ભણે તો તો મારી મહેનત સાર્થક થઇ ગણાશે.”