ઈન્ડોનેશિયામાં ૬.૯ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ

જાકાર્તા: ઈન્ડોનેશિયાના સુલાવેસીના ઉત્તર ભાગમાં આવેલા તાલૌદ દ્વીપ પર સોમવારે રાતે ૬.૯ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયથી ફફડી ઉઠયા હતા.  અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય મુજબ રાતે ૧૨-૩૮ કલાકે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૬.૯ માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઈન્ડોનેશિયાઈ દ્વીપ મોલુકાથી ૩૩૦ કિલોમીટર ઉત્તર-પશ્વિમમાં હતું. અને તેની ઉંંડાઈ ભૂતળથી ૧૦૨ કિમી નીચે હતું. જોકે ભૂકંપના આવા જોરદાર આંચકા છતાં ભૂકંપ વિજ્ઞાનીઓઅે સુનામીની આશંકા હોવાનો ઈનકાર કરી દીધો છે.

તાજેતરમાં વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આઠમી જાન્યુઆરીઅે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મ‌ુ અને કાશ્મીરના અમુક ભાગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૫.૫ માપવામાં આવી હતી. ભારતીય સમય મુજબ બપોરે ૨-૩૭ કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હિન્દુકુશ ક્ષેત્રમાં અફઘાનિસ્તાનના જર્મ શહેરથી ૩૨ કિલોમીટર દૂર હતુ.

આ અગાઉ ચોથી જાન્યુઆરીઅે પણ મણિપુર, આસામ, પશ્વિમ બંગા‍ળ, અરુણાચલ, બિહાર,ઝારખંડ સહિતના અનેક વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ઈમ્ફાલથી ૩૩ કિલોમીટર દૂર અને તેની ઉંડાઈ કિમી નીચે માપવામાં આવી હતી. ભારત-મ્યાનમાર સરહદ પર ભૂકંપની તીવ્રતા રીકટર સ્કેલ પર ૬.૭ માપવામાં આવી હતી. આ પહેલા બીજી જાન્યુઆરીઅે પણ અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં પણ ભૂકંપ આવ્યો હતો. દિલ્હી અેનસીઆર અને કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી તેના આંચકા અનુભવાયા હતા.

You might also like