મધ્ય અમેરિકાના સાલ્વાડોરમાં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ

અલ સાલ્વાડોર: મધ્ય અમેરિકાના નિકારાગુઆના સાલ્વાડોર નજીક ગઈ કાલે રાતે ૭.૨ની તીવ્રતા સાથેનો ભૂકંપનો આંચકો આવતાં તેમજ સુનામીની ચેતવણી આપવામાં આવતાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળે છે. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર પ્રશાંત મહાસાગરમાં સાલ્વાડોરથી 149 કિમી દૂર 33 કિમીની ઊંડાઈએ હતું, જોકે ભૂકંપથી કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.

પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપના લીધે પ્રશાંત મહાસાગરમાં ત્રણ ફૂટ ઊંચી લહેરો ઊઠી શકે તેમ છે. આ અગાઉ ગઈ કાલે કેરેબિયાઇ મહાસાગરમાં આવેલાં તોફાન ઓટ્ટો અને હરિકેન નિકારાગુઆના દક્ષિણ-પૂર્વ બંદર સાથે ટકરાયાં હતાં, જેમાં પવનની ગતિ પ્રતિકલાક 175 કિમીની માપવામાં આવી હતી. તોફાનના કારણે બંદર વિસ્તારમાં બનાવવામાં આવેલા રાહત કેમ્પમાં આશરો લઈ રહેલા હજારો લોકોને અન્ય સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. નિકારાગુઆના પાટનગર માનાગુઆ અને કોસ્ટારિકાના પાટનગર સેન જોસ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે તેનાથી જાનમાલને કોઈ નુકસાન થયું નથી.

નિકારાગુઆમાં ઈમર્જન્સી જાહેર
નિકારાગુઆના રાષ્ટ્રપતિ ડેનિયલે તોફાન ઓટ્ટો અને હ‌િરકેન તેમજ ભૂકંપના કારણે નિકારાગુઆમાં ઈમર્જન્સી જાહેર કરી દીધી છે તેમજ તમામ એજન્સીઓને રાહત અને બચાવ કામગીરીમાં સામેલ થઈ જવા આદેશ આપ્યો છે.
visit : www.sambhaavnews.com

You might also like