ઈરાન ભૂકંપમાં 396ના મોત, કબરો તૂટી અને લાશો પણ બહાર આવી ગઈ!

ઈરાન-ઈરાકમાં આવેલા ભૂકંપમાં મરનારાઓની સંખ્યા 396 સુધી પહોંચી ગઈ છે. રવિવારે સાંજે 7.3ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલૉજિકલ સર્વે પ્રમાણે, આ વખતે ભૂકંપનું કેન્દ્ર ઈરાકી હલાબ્જાથી દક્ષિણ પશ્ચિમથી 32 કિમી દૂર હતું.

ખુસરો નામના વ્યક્તિએ આ ભૂકંપની સાક્ષી નોંધાવતા કહ્યું હતું કે, ‘આખું ગામ નાશ થઈ ગયું છે. કબરો પણ તૂટી ગઈ છે અને લાશો પણ બહાર આવી ગઈ છે. અહીંયા પાણી નથી. લોકો નદીના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. અમારી પાસે ખાવા માટે કંઈ નથી. અમારે ગરમ કપડાંની પણ જરૂર છે.’

ભૂકંપના કારણે સૌથી વધુ નુકશાન કરમંશાહ રાજ્યમાં થયું છે, જ્યાં 236 લોકોના મોત થયા છે. સ્વાસ્થય મંત્રી રેકાવ્ત હમા રશીદે જણાવ્યું હતું કે, ‘સ્થિતિ ખૂબ ગંભીર છે. જિલ્લાના મુખ્યાલયને પણ ભારે નુકશાન થયું છે. ઘણી હોસ્પિટલોને પણ ભારે નુકશાન થયું છે.’

ઈરાનમાં મોટા ભૂકંપોનો ઈતિહાસ પહેલેથી રહ્યો છે. 1997માં પૂર્વી ઈરાનમાં આવેલા એક ભૂકંપમાં પણ 1600 લોકો માર્યા ગયા હતા. જેના બાદ 26 ડિસેમ્બર, 2003ના રોજ દક્ષિણ ઈરાનમાં પણ ભૂકંપ આવ્યો હતો, જેમાં 26 હજાર લોકોના મોત થયા હતા.

You might also like