લક્ષદ્વીપમાં પરોઢિયે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

નવી દિલ્હી: લક્ષદ્વીપ સમુદ્રના કિનારે આજે વહેલી પરોઢે ૫.૩ની તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો અનુભવાતાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. આ અગાઉ નેપાળમાં પણ મંગળવારે બપોરે ૪.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના એકમ ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર લક્ષદ્વીપ સમુદ્ર કિનારે આજે વહેલી પરોઢે ૪.૦૧ કલાકે મધ્યમ તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૩ માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર ૧૦ કિ.મી.ની ઊંડાઈએ હતું. આ ભૂકંપના આંચકાના પરિણામે વહેલી સવારે મીઠી નિદ્રા માણી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા અને ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા, જોકે આ ભૂકંપના કારણે જાનમાલની કોઈ ખૂવારી થઈ હોવાના અહેવાલ નથી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનએસસી)ના જણાવ્યા પ્રમાણે નેપાળમાં કાઠમંડુથી લગભગ ૯૦ કિ.મી. પૂર્વમાં આવેલા દોલાખા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દોલાખામાં ૪.૬ની તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

You might also like