ધરતીનું નિર્માણ 4.6 અબજ વર્ષ પહેલાં થયું હતુંઃ ભૂવિજ્ઞાનીઓનું સંશોધન

લંડન: ભૂવિજ્ઞાનીઓએ ધરતીના ઇતિહાસમાં એક નવા કાળની શોધ કરી છે. તેમણે ૪૨ સદી પહેલા શરૂ થયેલા ધરતીના ઇતિહાસને ‘મેઘાલય યુગ’ નામ આપ્યું છે. વિજ્ઞાનીનું માનવું છે કે આ દરમિયાન દુનિયામાં અચાનક ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને તાપમાનમાં ઘટાડો થયો હતો.

તેનાથી ઘણી સંસ્કૃતિઓ ખતમ થઇ ગઇ હતી. આ અંગે માનવામાં આવે છે કે ધરતીનું નિર્માણ ૪.૬ અબજ વર્ષ પહેલા થયું. આ સમયને ઘણા હિસ્સાઓમાં વહેંચવામાં આવ્યો છે. દરેક હિસ્સો મહત્વની ઘટનાઓ જેવી કે મહાદ્વીપોનું તૂટવું, પર્યાવરણમાં અચાનક આવેલો ફેરફાર અથવા ધરતી પર ખાસ પ્રકારના જાનવરો અને છોડવાંઓની ઉત્પત્તિ પર આધારિત છે.

હાલમાં આપણે જે કાળમાં રહીએ છીએ તેને હોલોસીન યુગ કહેવામાં આવે છે. તે ૧૧,૭૦૦ વર્ષ પહેલા શરૂ થયો હતો. ત્યારે હવામાનમાં અચાનક પેદા થયેલી ગરમીથી આપણે હિમ યુગમાંથી બહાર આવ્યા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હોલોસીન યુગને પણ અલગ હિસ્સાઓમાં વહેંચી શકાય છે. તેમાં સૌથી યુવાન ‘મેઘાલય યુગ’ છે, જે ૪૨૦૦ વર્ષ પહેલાથી લઇને ૧૯૫૦ સુધીનો હશે.

મેઘાલય યુગની શરૂઆત ભયંકર દુષ્કાળ સાથે થઇ, જેની અસર ૨૦૦ વર્ષ સુધી રહી. તેણે મિસર (ઇજિપ્ત), યુનાન, સીરિયા, પેલેસ્ટાઇન, મેસોપોટેમિયા, સિંધુ ઘાટી અને યાંગત્સે નદી ઘાટીમાં ખેતી આધારિત સભ્યતાઓ પર ગંભીર રૂપે અસર કરી.

શોધકર્તાઓની એક આંતરરાષ્ટ્રીય ટીમે મેઘાલયની એક ગુફાની છત પરથી ટપકીને ફરસ પર જમા થયેલા ચૂનાને ભેગો કર્યો. તેણે ધરતીના ઇતિહાસમાં ઘટેલી સૌથી નાની જળવાયુ ઘટનાને વ્યાખ્યાયિત કરવામાં મદદ કરી. પરિણામે, તેને ‘મેઘાલયન એજ’ અથવા ‘મેઘાલય યુગ’ નામ આપવામાં આવ્યું.

You might also like