સાબરમતીનાં મકાનમાં વહેલી સવારે આગ લાગતાં ભારે દોડધામ

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં આવેલા સંત કેવલધામ નજીક એક મકાનમાં વહેલી સવારે અચાનક જ અાગ લાગતાં ભારે દોડધામ મચી ગયો છે જોકે આ મકાન બંધ હાલતમાં હોય કોઈ જાનહા‌નિ કે કોઈને ઈજા થવા પામી નથી.

ફાયરબ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સાબરમતી વિસ્તારમાં સંત કેવલધામ નજીક ગાંધીબાગ પાસે આવેલા એક બંધ મકાનમાં આજે વહેલી સવારે ૪.૩૦ વાગ્યાના સુમારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગના વીકરાળ સ્વરૂપના કારણે આજુબાજુમાં રહેતા લોકોએ ભયથી ઘરની બહાર નીકળી જઈ દોડધામ કરી મૂકી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ ફાયરફાઈટર અને વોટર ટેન્કર સાથે તાબડતોબ પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું જાણવા મળે છે.

You might also like