સોય-દોરા એરિંગ આપી રહ્યાં છે પરફેક્ટ લુક

ફેશનમાં ઘરેણાંની વાત કરીએ તો ઈમિટેશન જ્વેલરીનો ચળકાટ માર્કેટમાં વધી રહ્યો છે. લાઈટ વેટ સોય-દોરા એરિંગ મહિલાઓ વધારે પસંદ કરી રહી છે. ભલે લગ્નપ્રસંગે મહિલાઓ સોના અને હીરાનાં ઘરેણાં પહેરતી હોય, પણ રોજિંદા જીવનમાં ઈમિટેશન જ્વેલરી પહેરવાનું વધારે પસંદ કરે છે. ઈમિટેશન જ્વેલરીનું માર્કેટ દિનપ્રતિદિન વિસ્તરી રહ્યું છે. મહિલાઓને ઈમિટેશન ઘરેણાં માટે એટલો જબરદસ્ત ક્રેઝ છે કે એની ડિમાન્ડ ક્યારેય ઘટતી નથી, જ્યારે ઈમિટેશન જ્વેલરીમાં પણ હવે લાઈટવેટ અને પેપર જ્વેલરીનો ટ્રેન્ડ માર્કેટમાં વધી રહ્યો છે.

અત્યારના આધુનિક યુગમાં બદલાતાં ટ્રેન્ડને યુવાવર્ગ આસાનીથી અપનાવી લેતો હોય છે, ખાસ કરીને યુવતીઓ. જો તમારો દેખાવ બદલવો હોય તો કપડાંની સાથે પરફેક્ટ જ્વેલરી પહેરવી જરૂરી છે. ગોલ્ડ અને ડાયમન્ડની અવનવી ડિઝાઇનર જ્વેલરી અમુક ખાસ પ્રસંગે સારી લાગતી હોય છે. દરરોજ પહેરવા માટે સ્માર્ટ જ્વેલરી ખાસ કરીને વેટલેસ જ્વેલરી સારી લાગે છે, જે વધારે મોંઘી ન હોય, પરંતુ આપણો દેખાવ બદલે છે.

ઘરેણાંની ફેશન થોડા થોડા દિવસે બદલાતી રહે છે. ઘણી વાર યુવતીઓ હેવી વર્કના ડ્રેસ પર લાઈટ વેટ અને સિમ્પલ એરિંગ પહેરવાં વધારે પસંદ કરતી હોય છે. જેમ કે, વેલ્વેટના ડ્રેસ પર માત્ર લાઈટ વેટ પણ હેવી લુક આપે તેવાં એરિંગ પહેરી નવો લુક મેળવે છે. એરિંગની વાત થાય તો અત્યારે સોય-દોરા એરિંગ ખૂબ ફેશનમાં છે.

સામાન્ય રીતે કોઈ પણ બુટ્ટીમાં પાછળથી પેચ લગાવવામાં આવતો હોય છે, પરંતુ સોય- દોરા એરિંગમાં આગળ પેચ લગાવવામાં આવતો હોય છે, જે મોતી કે ડાયમન્ડની એરિંગનો લુક આપે છે. આ એરિંગ કાનના પાછળના ભાગમાંથી પરોવવામાં આવે છે અને ત્યાર બાદ તેમાં આગળના ભાગેથી પેચ લગાવવામાં આવે છે. આ એરિંગ સિમ્પલ એરિંગની સાથે લટકણ એરિંગનો લુક આપે છે. આવા પ્રકારનાં એરિંગની કિંમત રૂપિયા ૮૦થી શરૂ થતી હોય છે અને તે અલગઅલગ પ્રકાર અને ડિઝાઇનમાં મળતાં હોય છે.

વજનમાં લાઈટ અને ઓછી કિંમતમાં મળતી આ જ્વેલરીએ પણ માર્કેટમાં ધૂમ મચાવી છે. પેપર જ્વેલરીમાં અનેક વિવિધતા પણ જોવા મળે છે. ઘેર બેઠા જ્વેલરી બિઝનેસ કરતાં ક્રિષ્ના શેઠ કહે છે, ઈમિટેશન જ્વેલરીમાં યુવતીઓ સિમ્પલ લુક આપતાં એરિંગ પસંદ કરે છે. સોય-દોરા એરિંગ વિશે યુવતીઓને એટલી જાણ નથી પણ ધીરેધીરે તેની ફેશન અપનાવી રહી છે.

જ્યારે ફર્મમાં સર્વિસ કરતી પૂજા શાહ કહે છે. સોય-દોરા એરિંગની ફેશન ખૂબ જૂની છે. જે પહેલાં સોનામાં જોવા મળતી હતી તે હવે ઈમિટેશન જ્વેલરીમાં પણ જોવા મળી રહી છે.
ધ્રુવી શાહ

You might also like