દરેક શંખની પોતાની આગવી ખૂબી હોય છે

હિંદુ ધર્મમાં શંખને વિજય, સમૃદ્ધિ, શુભ અને યશનું પ્રતીક માનવામાં આવે છે. અનેક દેવી દેવતાઓના ફોટોમાં શંખ જોવા મળે છે. ઉત્સવ, પૂજા, હવન, મંગલધ્વનિ, પ્રયાણ, આગમન, યુદ્ધ આરંભ, લગ્ન, રાજ્યાભિષેક જેવા ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે.

શંખને લક્ષ્મીજીનો સહોદર અને વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે. ચમકદાર, સુડોળ, સુંદર, સ્પષ્ટ અને મધુર ધ્વનિવાળા શંખને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

શંખ તો ભગવાનના મંદિરોમાં પૂજા વખતે ફૂંકવામાં આવે છે જે ખૂબ જરૂરી છે. આ એક વિજ્યઘોષ છે, ઇશ્વરને પ્રસન્ન કરતો આ બ્રહ્મનાદ છે. આના ઘોષથી વાતાવરણ અને મનમાં રહેલી નકારાત્મક શક્તિ અને વૃત્તિ દૂર થાય છે. શંખ માંહેથી ઓમ નાદ નીકળે છે

દક્ષિણવર્તી શંખ જે પરિવારમાં સ્થાપિત હોય છે, ત્યાં ગરીબી આવતી નથી, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. શંખમાં શુદ્ધ જળ ભરી વસ્તુ, વ્યક્તિ, સ્થાન પર છંટકાવ કરવાથી દુર્ભાગ્ય, અભિશાપ, અભિચાર અને દુર્ગ્રહના પ્રભાવને નષ્ટ કરે છે.

શંખ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે – દક્ષિણાવર્તી, વામાવર્તી, મધ્યવર્તી.દક્ષિણાવર્તી શંખ જમણી બાજુ ખૂલે છે,વામાવર્તી શંખનું મુખ જમણી બાજુ હોય છે જ્યારે મધ્યવર્તી શંખનું મુખ વચ્ચે આવેલ હોય છે.મધ્યવર્તી શંખ મળવા દુર્લભ છે.

શંખમાં ભરી રાખેલા પાણીનું સેવન કરવાથી પણ અનેક લાભો પ્રાપ્ત થાય છે, જે શરીર માટે હિતકારી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ શંખનું ઘરમાં હોવું ઘણું હિતકારી છે.શંખ ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.વાસ્તુશાસ્ત્રના નિયમો શંખને પૂરી રીતે હકારાત્મક બતાવે છે.

કહેવાય છે કે,શંખને ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ પાસે આવતી નથી.શંખનાદથી અનિષ્ટ શક્તિઓ દુર ભાગે છે. શંખનાદથી આસપાસની ભૂમિમાં એક પ્રકારની હકારાત્મક ઊર્જા ફેલાતી હોવાની માન્યતા છે.શંખના અવાજથી ભૂમિ જાગૃત બને છે,તેમાં હકારાત્મકતા-ઊર્જા અને જાગૃતિ પ્રવર્તે છે.

હિંદુ પૂજા સામગ્રીમાં શંખનો સમાવેશ થાય છે. ઘરે અને મંદિરમાં ભગવાનનાં દ્વાર ખોલતાં પહેલાં શંખ વગાડવામાં આવે છે. પૂજામાં રાખવામાં આવતા શંખ ઘણી વખત સોના કે ચાંદીથી મઢીને સુશોભિત કરવામાં આવે છે. ભગવાનનાં અભિષેકમાં પણ શંખ વપરાય છે. ફૂંકવા માટે ડાબો શંખ અને પુજા કે અભિષેક માટે જમણો શંખ વપરાય છે.

શંખ તો યુદ્ધમાં મહાભારતના વખતથી ફૂંકવામાં આવે છે આ એક અસુરોના નાશ વિશે એક આહ્વાન છે. રામાયણના યુદ્ધમાં પણ શંખ ફૂંકવામાં આવ્યો હતો તેવો ઉલ્લેખ છે. શંખ ધ્વનિ દેવોને અતિ પ્રિય છે માટે જ મંદિરોમાં ફૂંકવામાં આવે છે. તો માનવજાતને પણ તેના થકી વિવિધ લાભ પ્રાપ્ત થાય છે.

પુરાણોમાં અને ખાસ કરીને શ્રીમદ્ ભાગવતમાં યુદ્ધ દરમ્યાન શંખનો વાદ્ય તરીકે અને ઘોષણા કરવા માટે ઉપયોગ થયાનું વારંવાર વર્ણન જોવા મળે છે. હિંદુ દેવતા (ભગવાન) વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપમાં શંખ તેમનાં એક હાથમાં વર્ણવવામાં આવે છે. મહાભારતનાં વિવિધ પાત્રોનાં શંખનાં જુદા જુદા નામોનું વર્ણન ભગવદ્ ગીતાનાં પહેલા અધ્યાયમાં જોવા મળે છે.

મહાભારતમાં પ્રાતઃકાળે શંખનાદ થાય તે સાથે યુદ્ધ શરુ થતું હતું અને સંધ્યાકાળે શંખનાદ થતાં જ યુદ્ધ વિરામ થતો હતો. મહાભારતના યુદ્ધની શરુઆતમાં ભીષ્મ પિતામહે ભયંકર શંખનાદ કર્યો હતો તેની સામે ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો હતો.

શ્રીકૃષ્ણનો પાંચજન્ય શંખ બહુ ચમત્કારી તથા સમગ્ર સૃષ્ટિમાં વખણાતો હતો અને કદમાં પણ બહુ મોટો હતો એવું કહેવામાં આવે છે કે પાંચજન્ય શંખનો ધ્વનિ યુદ્ધ ભૂમિથી કેટલાય માઇલો સુધી સંભળાતો હતો. દરેક પાંડવ પાસે પોતાનો પ્રિય શંખ રહેતો હતો અને તેઓએ પોતાના શંખનું નામકરણ પણ કરેલ હતું, જેમ કે યુધિષ્ઠિરના શંખનું નામ અનંતવિજય, અર્જુનના શંખનું નામ દેવદત્ત, ભીમના શંખનું નામ પૌંડ્રક, નકુલના શંખનું નામ સુઘોષ તથા સહદેવના શંખનું નામ મણિપુષ્પક હતું.

આ તમામે સમયે સમયે પોતાના શંખો વગાડયા હતા. પ્રાચીન કાળમાં યુદ્ધ શરૂ થયા તે પહેલાં શંખનો ધ્વનિ (અવાજ) કરવામાં આવતો. જે યોદ્ધાનો શંખનાદ વધુ તેને સર્વ શક્તિશાળી માનવામાં આવતો હતો. ભગવાન વિષ્ણુ અને તેમની પત્ની લક્ષ્મીનાં ચાર આયુધોમાં શંખને સ્થાન મળવાનું કારણ કે તેનો મહિમા મોટો છે.

લક્ષ્મી નારાયણની પૂજા કરતી વખતે તેમના મહત્વના આયુધ શંખની પણ પૂજા કરવામાં આવે છે. આરતી કરતી વખતે શંખમાં પાણી ભરીને ભક્તો પર છાંટવામાં આવે છે. આ પવિત્ર જળ વડે વ્યક્તિ પવિત્ર થયેલો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં શંખના જુદા જુદા પ્રકાર બતાવવામાં આવ્યા છે.

મહાભારતના યુદ્ધમાં દરેક સારથી પોતાનો શંખ રાખતા. પરંતુ આ બધામાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે રહેલ પાંચજન્ય શંખ સર્વશ્રેષ્ઠ હતો. શુભ કાર્યની શરૂઆતમાં, ઘર પ્રવેશ વખતે શંખનો બ્રહ્માનાદ આસુરી તત્વોનો નકારાત્મક શક્તિઓ નાશ પામે છે. આનંદ ફેલાય છે તો વાસ્તુદોષનો નાશ થાય છે.

શંખનું વિધિસર પૂજન થાય તો દરિદ્રતા દૂર થાય છે. તેના અન્ય ચમત્કારિક ફાયદાઓ પણ છે. દેશ વિદેશના પ્રવાસમાં ‘જમણા’ શંખમાં ચોખા ભરીને સાથે રાખવાથી વિવિધ અડચણો દૂર થાય છે. વ્યાપાર ધંધા વ્યવસાયમાં પ્રગતિ થાય છે. રોગી પાસે આ જમણો શંખ ફૂંકવાથી તેનો રોગ દુર થાય છે.•

You might also like