ઈ-વેસ્ટનું ધુપ્પલઃ દોઢ વર્ષ પછી પણ ઠેરના ઠેર!

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં જેમ કૌભાંડોની નવાઈ નથી તેમ એક અથવા બીજા પ્રોજેક્ટના પોકળ ઢોલનગારાં વગાડવાની પણ હવે કોઈને નવાઈ નથી રહી, કેમ કે જે પ્રોજેક્ટનો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરાય છે તે જ પ્રોજેક્ટ છેવટે તો ઢોલની પોલ પુરવાર થાય છે. આવું જ એક ઉદાહરણ ઈ-વેસ્ટ પ્રોજેક્ટનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં દોઢ વર્ષ પછી પણ સમગ્ર પ્રોજેક્ટ ઠેરનો ઠેર જ છે.

કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગની ગાઈડલાઈન મુજબ કોઈ પણ સંજોગોમાં મ્યુનિ. ઘનકચરા સાથે ઈ-વેસ્ટ એકત્ર થયેલો ન હોવો જોઈએ. ઈ-વેસ્ટને છૂટો પાડી એકત્ર કરી અને પદ્ધતિસર રીતે અધિકૃત એકત્રીકરણ કરતી એજન્સીઓને આપવાનો થાય છે એટલે હાંફળા-ફાંફળા થયેલ મ્યુનિ. કોર્પોરેશને ઈ-વેસ્ટના નિકાલ માટે કવાયત આરંભી દીધી.

ડગલે અને પગલે કન્સલ્ટન્ટ નિમવા માટે બાહોશ તંત્રે અર્નેસ્ટ એન્ડ યંગ પ્રા. િલ.ને કન્સલ્ટન્સી સોંપી ત્યાર બાદ કાયદાકીય બાબતો માટે ‌િલંક લીગલ એડ્વોકેટ કંપનીને રોકીને મ્યુનિ. તિજોરીમાંથી ઈ-વેસ્ટ પ્રોજેક્ટના અમલ પહેલાં જ લાખો રૂપિયાનું આંધણ કરી નાખ્યું! છેવટે ટેન્ડર બહાર પાડીને અમદાવાદની ઈસીએસ એન્વીરોન્મેન્ટ પ્રા.િલ.ને વાજતેગાજતે ઈ-વેસ્ટનું કામ ૨૦ વર્ષ માટે સોંપ્યું. આ કંપનીએ દર વર્ષે વાર્ષિક રૂ.૧.૫૦ લાખ કોર્પોરેશનને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફી પેટે ચૂકવવાના હતા. જેમાં દર વર્ષે રૂ.૧૧.૫ ટકાનો વધારો આપીને કુલ ૨૦ વર્ષમાં કોર્પોરેશનને રૂ.૧.૧૯ કરોડ ચૂકવવાની કંપનીએ કબૂલાત કરી હતી.

ઓનલાઈન કલેક્શન પોર્ટલ, નિશ્ચિત સ્થળો પર અઠવાડિયામાં એક વાર કલેકશન વાન મારફતે કલેક્શન, સિવિક સેન્ટર ઉપર ઈ-વેસ્ટના એકત્રીકરણ માટે ડ્રોપ બોક્સ, એએમટીએસ, બીઆરટીએસ ટિકિટની પાછળ અને બિલની પાછળ ઈ-વેસ્ટનો પ્રચાર, વગેરે અનેક બાબતો કંપની સંભાળવાની હતી. કંપની કલેકશન પોઈન્ટનો સર્વે કરી આવી જગ્યાઓની યાદી મ્યુનિ. તંત્રને આપવાની હતી. તમામ કલેકશન પોઈન્ટ પર ટેબલ-ખુરશી, વજનકાંટો, સંગ્રહ સારું ડબ્બા પૂરા પાડવાની હતી, પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં આ દિશામાં કંઈ કરતાં કંઈ જ થયું નથી. આ કંપનીએ એક કિલો ઈ-વેસ્ટ પણ ઉપાડ્યો નથી એટલે આને જાણકાર વર્તુળો કોર્પોરેશનનું વધુ એક ધુપ્પલ તરીકે જ ઓળખાવી રહ્યા છે.
આ અંગે સો‌િલડવેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીને પૂછતાં તેઓ કહે છે, ‘ઈસીએસ કંપનીએ વર્કઓર્ડર મેળવ્યા બાદ કોઈ નક્કર કામગીરી કરી નથી તેમાં તો કોઈ વાદ-વિવાદ નથી, પરંતુ આ કંપનીએ નવેસરથી ઈ-વેસ્ટ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે. જોકે તંત્ર તો મક્કમતાપૂર્વક કંપની પાસે તમામ શરતોના પાલનની બાંયધરી લેશે.’

You might also like