ગુજરાતની મ્યુનિ. ચૂંટણી માટે માત્ર ૧૨૦૦૦ ઇ-વોટર નોંધાયા

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટેનો તખ્તો ગોઠવાઇ ચુક્યો છે ત્યારે ઇ-વોટરને લઇને ખાસ ગણતરી કરવામાં આવી રહી છે. સ્થાનિક ચૂંટણી માટે ૧૨૦૦૦થી વધારે મતદારો નોંધાઇ ચુક્યા છે. જો કે આંકડો હજુ પણ ખુબ ઓછો દેખાઇ રહ્યો છે. ઇ-વોટરની વાત કરવામાં આવે તો આ યાદીમાં સુરત પ્રથમ ક્રમાંક પર છે. સુરતમાં ઇ-વોટરની સંખ્યા ૪૭૦૦થી વધારે છે.

જ્યારે અમદાવાદ આ મામલે બીજા ક્રમાંક પર છે. તેમના ઘર પરથી મતદાન કરનારની સંખ્યા રાજ્યમાં હવે સૌથી વધારે રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજનાર છે. જેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઇને પ્રચારની કામગીરી હાલમાં ચાલી રહી છે. તમામ જગ્યાએ ઇ-વોટરની સંખ્યાને વધારી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઇવોટરની સંખ્યામાં હજુ વધારો થઇ શકે છે. કારણ કે ઇ-વોટર તરીકે નોંધણી કરાવવા માટેની અવધી ૧૦મી નવેમ્બર સાંજ સુધી ચાલનાર છે.

રવિવાર સુધીના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો ૧૧૪૬૦નો હતો. રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ આની નોંધણી કરવામાં આવી રહી છે.તાજેતરમાં જ ઇ-વોટર નોંધણી માટે ચૂંટણી પંચ દ્વારા એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી હતી. સુરતમાં ઇ-વોટરની સંખ્યા સૌથી વધારે દેખાઇ રહી છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે ગુજરાતમાં સૌથી મોટી મ્યુનિસિપલ સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર ૧૮૦૦ ઇ-વોટર છે. જ્યારે વડોદરામાં આ સંખ્યા ૧૭૦૦ની આસપાસ છે. આંકડા દર્શાવે છે કે અમદાવાદ સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૯૫ લાખથી વધારે મતદારો છે. વર્ષ ૨૦૧૦ બાદથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન વોટિંગને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અગાઉ ઇ-વોટર માટે મતદારોને ફોર્મ ભરવાની ફરજ પડતી હતી. ત્યારબાદ સરકારી ઓફિસ પર જવાની ફરજ પડતી હતી.

You might also like