ઈ-પેમેન્ટ કરનારા ગ્રાહકોને વેપારીઓની ડિસ્કાઉન્ટ ઓફરો

અમદાવાદ: જ્વેલરી, રેડિમેડ ગાર્મેન્ટ, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સહિત કેટલીક લકઝરી ચીજવસ્તુઓની ખરીદીમાં રોકડનો વ્યવહાર ખૂબ જ ઊંચો જોવા મળતો હતો. સરકારે આઠમી તારીખની મધરાતથી રૂ.૫૦૦ અને એક હજારની ચલણી નોટો બંધ કરતાં વેપાર-ઉદ્યોગોમાં તેની સીધી અસર જોવા મળી હતી. ખાસ કરીને જ્વેલરી, ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ, લક્ઝરી ચીજવસ્તુઓ જેવી કે ઘડિયાળો, કેમેરા તથા રેડિમેડ ગાર્મેન્ટ સેક્ટરમાં કારોબાર ૬૦થી ૮૦ ટકા જેટલો ઘટી ગયો છે. આવા સંજોગોમાં ઘટતા જતા કારોબારને અટકાવવા વેપારી ઈ-પેમેન્ટથી ચૂકવણું કરનારા ગ્રાહકોને ત્રણ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.

જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં ૫૦૦ અને એક હજારની નોટો બંધ થવાના કારણે કાળાં નાણાં થકી જ્વેલરીની ખરીદી ઉપર અસર જોવાઈ છે. જ્વેલરી બજારે તેનો ચળકાટ ગુમાવ્યો છે ત્યારે ઈ-પેમેન્ટ દ્વારા ચુકવણી કરનારા ગ્રાહકોને જ્વેલર્સ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. ૧૦ ગ્રામની જ્વેલરીની ખરીદી ઉપર ઈ-પેમેન્ટ કરનાર ગ્રાહકોને જ્વેલર્સ એકથી બે ટકાની ઓફર કરી રહ્યા છે.

જ્વેલરી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રોકડની ક્રાઈસિસથી બજારમાં ધંધો લગભગ ઠપ છે. આવા સંજોગોમાં ગ્રાહકોને જાળવી રાખવા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ તથા નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર થકી નાણાંનું ચૂકવણું કરનારને ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે.

એ જ પ્રમાણે લકઝરી ચીજવસ્તુઓ જેવી કે કીમતી ઘડિયાળો, કેમેરા તથા ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ઈ-પેમેન્ટની ખરીદી કરનારાને ડિસ્કાઉન્ટ ઓફર કરાઈ રહી છે.

આ અંગે અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના સેક્રેટરી જિગર સોનીના જણાવ્યા પ્રમાણે નોટબંધીના નિર્ણય બાદ જ્વેલરી બજારનો કારોબાર ઠપ થઈ ગયો છે ત્યારે કેટલાક જેન્યુઈન જ્વેલર્સ ઘટતા કારોબારને જાળવી રાખવા નિતનવી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, જેમાં ઈ-પેમેન્ટ કરનારા ગ્રાહકને ડિસ્કાઉન્ટ અપાઈ રહ્યું છે.

You might also like