થોડી રાહ જુઅોઃ ઇ-મેમોનો દંડ ભરવા અેપ અાવી રહી છે

અમદાવાદ: જો હવે તમારા ઘરે ઈ-મેમો આવે તો તમારે દંડ ભરવા માટે કોઈ પોલીસ સ્ટેશન કે ટ્રાફિક બૂથ પર જવું નહિ પડે, કેમ કે ટૂંક સમયમાં શહેર પોલીસ દ્વારા ઈ-પેમેન્ટની શરૂઆત કરવામાં આવનાર છે. શહેર પોલીસ દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવનાર છે, જેમાં લોકો ઈ-મેમોનું પેમેન્ટ ભરી શકશે. આ માટે પોલીસ દ્વારા ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમનો ભંગ કરતા તમામ લોકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. શહેરના મોટા ભાગના ચાર રસ્તા પર ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. જેણે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોય તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવે છે. શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ તો ઈ-મેમોનું ચલણ ભરવા માટે કોઈ ને કોઈ નાગરિક હાજર જ જોવા મળે છે. ઈ-મેમો ભરવા માટે લોકોએ નોકરીમાંથી પોતાનો સમય કાઢીને પોલીસ સ્ટેશનમાં ભરવા જવું પડે છે, જેનાથી લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. અધૂરામાં પૂરું પોલીસ સ્ટેશનમાં મેમો બુક નથી જેવી બહાનાબાજીથી પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક સેક્ટરમાં કેશલેસ સિસ્ટમ અપનાવવાનું સૂચન કરાયું છે ત્યારે શહેર પોલીસ દ્વારા ઈ-મેમોને કેશલેસ કરવામાં આવનાર છે. આગામી દિવસોમાં આ માટે પોલીસ દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવશે. જીઆઈપીએલ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત ૩૨ બેન્ક સાથે જોડાણ કરી અને ઈ-પેમેન્ટ શરૂ કરવામાં આવશે. લોકો આ એપ દ્વારા ઓનલાઈન પોતાના ઈ-મેમોનું પેમેન્ટ કરી શકશે. આગામી ત્રણ મહિનામાં આ એપ્લિકેશન પોલીસ દ્વારા બહાર પાડવામાં આવશે. રોજના પ,૦૦૦થી વધુ ઈ-મેમો શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઈશ્યૂ કરવામાં આવે છે. ઈ-મેમોનો દંડ લેવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં એક પોલીસકર્મીને રોકાવું પડે છે.

હાલમાં ટ્રાફિક અને સ્થાનિક પોલીસમાં સ્ટાફની અછત છે ત્યારે આ રીતે પોલીસ સ્ટેશનમાં ઈ-મેમોનો દંડ લેવાનું કામ વધી ગયું છે. અમદાવાદમાં નાગરિકો પોતાના વાહનનો ઇ-મેમો બન્યો છે કે નહીં તે જાણી શકે તે માટે ટ્રાફિક પોલીસે ખાસ ઓનલાઇન સિસ્ટમ બનાવી છે. વાહન નંબર નાખવામાં આવે તો ઈ-મેમો છે કે કેમ? તેની જાણકારી ઓનલાઈન મળી રહે છે, પરંતુ અમુક કિસ્સામાં ઓનલાઈન દેખાતો ઈ-મેમો વાહનચાલકને મળ્યો હોતો નથી.

કેટલાંક પોલીસ સ્ટેશનમાં લોકો ઈ-મેમો ભરવા જાય ત્યારે પોલીસકર્મીઓ દ્વારા તેઓને મીઠાખળી ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવે છે. ઘણા ખરા કિસ્સામાં ઈ-મેમો ભરવાની ડેડ લાઈન પણ પૂરી થઇ જતી હોય છે. આ દરેક સમસ્યાનો લોકોને સામનો કરવો પડતો હોય છે. લોકો દ્વારા ઓનલાઈન માગ વધી ગઈ હતી, જેને લઇ પોલીસે ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ કમિશનર એ. કે. સિંઘે જણાવ્યું હતું કે ઓનલાઈન પેમેન્ટ માટે જી.આઈ.પી.એલ. અને ૩ર બેન્કો સાથે ટાઈઅપ કરીને આ સુવિધા શરૂ કરવામાં આવશે. એપ દ્વારા લોકો પોતાનું ઈ-ચલણ ઇશ્યૂ થયું છે કે કેમ તે પણ જોઈ શકશે અને તાત્કાલિક ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. આ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અનિરુદ્ધસિંહ મકવાણા

You might also like