ઈ-માર્કેટિંગ યાર્ડ યોજનાનો પ્રારંભ સાથે જ ફિયાસ્કો?

દેશના ખેડૂતોને તેમણે ઉગાડેલા પાકના ઊંચા ભાવ મળી રહે તે હેતુથી સરકારે ઈલેક્ટ્રાનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ (ઈ-નામ) નામે એક નવી બજાર પદ્ધતિની રચના એપ્રિલ-ર૦૧૬માં કરી હતી. આ યોજના ‘ડિજિટલ ઈન્ડિયા’નો એક ભાગ છે. એટલે કે સરકાર કૃષિ ક્ષેત્રને ઓનલાઈન કરવા આગળ વધી રહી છે. જોકે સરકારનો આ પ્રયાસ સફળ થવા અંગે શંકા સેવાઈ રહી છે. આ યોજના કૃષિ સુધારણા માટે એક મોટું અને આવકારદાયક પગલું છે, પરંતુ તેનો અમલ એક સૌથી મોટો પ્રશ્ન છે.

નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬માં સરકાર દેશભરના રપ૦ માર્કેટિંગ યાર્ડને આ યોજના હેઠળ લાવવા માગતી હતી પરંતુ તે શક્ય બન્યું નથી. દેશભરમાં ૧ર રાજ્યના ૧૦૦ માર્કેટિંગ યાર્ડ જ ‘ઈ-નામ’ યોજનામાં જોડાયા છે. આ યોજના અંતર્ગત મોટાભાગના ખેડૂતોનાં ખાતાં કો-ઓપરેટિવ બેંકમાં હોવાથી સરકાર તેમની સાથે જોડાશે જેથી ખેડૂતોને સમયસર નાણાં મળી રહે. નાણાકીય વ્યવહાર વધુ સરળ બનાવવા સરકાર દરેક માર્કેટિંગ યાર્ડમાં એેટીએમ મૂકવાનું પણ વિચારી રહી છે. ખેડૂતોને તમામ પાકના વાજબી ભાવ મળી રહે તે માટે એક એપ્લિકેશન પણ શરૂ કરાશે.

રાજ્યના યાર્ડોને ‘ઈ-માર્કેટ’માં જોડવાની શરૂઆત
નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ અને ગુજરાત રાજ્ય કૃષિબજાર બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શરૂઆતમાં હિંમતનગર, બોટાદ અને પાટણ માર્કેટિંગ યાર્ડને ઈ-માર્કેટથી જોડવામાં આવ્યાં છે. પ્રથમ અને બીજા ચરણમાં મળીને ગુજરાતના ર૧૭ પૈકી ૪૦ માર્કેટિંગ યાર્ડ ઓનલાઈન વેચાણ માટે જોડાઈ ચૂક્યાં છે. હવે ત્રીજા તબક્કામાં ૬૦ યાર્ડ જોડાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ઘણા યાર્ડોએ તો આ યોજનામાં રસ પણ દાખવ્યો નથી. ઈ-માર્કેટની કામગીરી પ્રાયોગિક ધોરણે છે. જરૂરી માળખાકીય સુવિધાની ગોઠવણ ચાલી રહી હોવાથી તેનો વિધિવત્ પ્રારંભ એકાદ-બે માાસ પછી  જ શક્ય બનશે.

ભારતમાં એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) હેઠળ ર૪૭૭ મુખ્ય અને ૪૮૪૩ પેટા બજારો કાર્યરત છે. ઈ-માર્કેટ માટે વડા પ્રધાનનો લક્ષ્યાંક રૂ.ર૦૦ કરોડના ખર્ચે માર્ચ ર૦૧૮ સુધીમાં પ૮પ યાર્ડ સુધી પહોંચવાનો છે. યોજના પ્રમાણે ઉત્તરનાં રાજ્યોનો ખેડૂત દક્ષિણમાં અને દક્ષિણનો ખેડૂત પશ્ચિમમાં પોતાનો માલ સહેલાઈથી વેચી શકશે. જોકે આ પદ્ધતિથી ક્વોલિટીના ધોરણે ભાવ નક્કી કરવાનું કઠિન બની રહેશે એમ બજારનાં વર્તુળો માની રહ્યાં છે. ઓનલાઈન વેચવામાં આવતા માલની ક્વૉલિટીની ચકાસણી લેબોરેટરી દ્વારા કરાશે પરંતુ તે પ્રક્રિયા લાંબો સમય માગી લેશે.

ઓનલાઈન વ્યાપાર કઈ રીતે? શું ફાયદો?
આ યોજના હેઠળ ખેડૂતોએ ખેતપેદાશોના ઓનલાઈન વેચાણ માટે, જ્યારે ખરીદનારે ઓનલાઈન ખરીદી માટે પોતાના યાર્ડમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જ બેંકની પાસબુક, ઓળખપત્ર અને ખેડૂત માટે ખેતીની જમીનને લગતા તથા વ્યાપાર માટે ધંધાની નોંધણીના પુરાવા અને લાઇસન્સ જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. નોંધણી કરાયેલા ખેડૂતો અને વેપારીઓ જ ઈ-માર્કેટમાં ટ્રેડિંગ કરી શકશે.

ખેડૂતોએ માલના વજન કરાવેલા જથ્થાની વાહન સહિતની નોંધણી યાર્ડના ગેટ ઉપર કરાવવી પડશે. ગેટપ્રવેશ વખતે તેમને યુનિક આઈડી કાર્ડ અપાશે. એ પછી માલનુું સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાશે.

(દા.ત. એરંડા હોય તો દાણામાં ઓઈલનું પ્રમાણ, દાણાની સાઈઝ, દાણાનુંં વજન, કલર, ભેજનું પ્રમાણ, જથ્થામાં કચરાનું પ્રમાણ) જેનો લેબ. ટેસ્ટ રિપોર્ટ તૈયાર થશે અને તેના આધારે ખેડૂતનું નામ, તેનો જથ્થો અને ગુણવત્તાની જાણકારી ઈ-માર્કેટ સોફ્ટવેરમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર મુકાશે. આ એન્ટ્રીના આધારે નોંધાયેેલા કોઈ પણ વેપારી જથ્થાનો ભાવ તેની ઇચ્છા મુજબ બીડ કરશે. જો ખેડૂતને માલના ભાવ યોગ્ય લાગે અને વેચવા તૈયારી બતાવે તો જ ટ્રેડિંગ થશે. વેપારીએ કરેલી ઓનલાઈન ખરીદીનાં નાણાં ઈ-માર્કેટના બેંકખાતામાં જમા થશે અને તેમાંથી સૅસ કાપ્યા પછી રકમ સીધી ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા થશે.

ઈ-ટ્રેડિંગથી ખેડૂત અને ખરીદનાર વચ્ચેથી કમિશન એજન્ટ, આડતિયા અને દલાલ નીકળી જશે અને ભાવમાં થયેલો સીધો લાભ ખેડૂતોનાં ખિસ્સાંમાં આવશે. માલના વેચાણ માટે એકથી વધુ વિકલ્પ અને પૂરતા ભાવ મળશે. માલ વિવિધ બજારો સુધી પહોંચી શકશે, જેથી ભાવ અંગે થતી નુકસાનીનો ભોગ બનવું નહીં પડે. માલ વેચવાની સંપૂર્ણ સ્વતંત્રતા પણ મળશે. માલ વેચાય એ જ દિવસે તેનાં નાણાં બેન્કમાં જમા થઈ જશે.

તો ઓનલાઈન ખરીદી કરનારા વ્યાપારીઓને પણ વિવિધ બજાર સુધી પહોંચીને વેપાર કરવાની વિશાળ તક મળશે. જથ્થાબંધ વેપારીઓ અને નિકાસકારોને પણ મંડીમાં સીધો જ સંપર્ક કરવાથી વચેટિયાઓ દૂર થશે અને નાણાકીય રાહત પણ મળશે.

૬૯ કોમોડિટીઝને ઈ-વેપાર માટે મંજૂરી
આ યોજના સફળ થાય તો મોંઘવારીને કાબૂમાં લઈ શકાશે અને એપીએમસી એક્ટમાં રહેલી ક્ષતિઓમાંથી પણ મુક્તિ મળશે તેમ કૃષિ મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે. કોઈ પણ રાજ્ય કોઈ પણ કોમોડિટીની ગુણવત્તા પ્રમાણે તેના ભાવ જાહેર કરતું નથી. આવી સ્થિતિમાં સ્ટાન્ડર્ડાઇઝ કોમોડિટીઝનો વ્યાપાર આ પ્લેટફોર્મ પર વ્યવહારિક બનશે તેમ યોજનાની રૂપરેખા પરથી લાગી રહ્યું છે. આ યોજનામાં ઓનલાઈન વેપાર માટે કુલ ૬૯ કોમોડિટીઝને મંજૂરી મળી છે. જોકે માત્ર ૧૦ ટકા કોમોડિટીઝનો જ વેપાર આ પદ્ધતિમાં શક્ય બનશે તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે. સરકારી આંકડા મુજબ ઈ-નામ પ્લેટફોર્મ હેઠળ દેશભરમાંથી ૪૬,૬૮૮ વેપારીઓ અને રપ,૯૭૦ કમિશન એજન્ટોની નોંધણી થઈ છે અને અત્યાર સુધીમાં રૂ.૪ર૧ કરોડનાં કામકાજ પણ થયાં છે.

દેશના કૃષિ ક્ષેત્રને નવો ઓપ આપવાનો મુદ્દો મહત્ત્વનો છે. આ યોજનાને લઈને દેશના તમામ ધરતીપુત્રોને વાકેફ કરવા પણ એટલા જ જરૂરી છે, કારણ કે આપણો ખેડૂત હજુ એટલો શિક્ષિત નથી એટલે તે કોઈ ભાંજગડમાં પડવા માગતો નથી. આ મુદ્દે તાજો દાખલો એ છે કે માર્કેટયાર્ડમાં ઓછા ભાવ મળતા હોવા છતાં ખેડૂત સરકારી ટેકાના ભાવે માલ વેચાણ કરવામાં રાજી નથી. તેનું મુખ્ય એક કારણ એ પણ છે કે ખેડૂતોને જાતજાતના કાગળ કઢાવીને નોંધણી કરાવવાનું પસંદ નથી. સામાન્ય કાગળિયા કરવાથી દૂર ભાગતો ખેડૂત ઓનલાઈન વેચાણમાં રસ દાખવશે? તે પણ એક મોટો સવાલ છે. વળી, મહત્ત્વની વાત એ છે કે દેશનાં માત્ર ૧૨ રાજ્યોએ જ  આ યોજનામાં જોડાવા અંગે મંજૂરી આપી છે. એ જોતાં ખેડૂતોને મદદરૂપ થવા માટે શરૂ થયેલી ‘ઈ-નામ’ યોજનાનાં ફિયાસ્કોની શંકા સેવાઈ રહી છે.

યોજનામાં અનેક વિસંગતતાઓ
વળી, ગુજરાત રાજ્યમાં ‘ઈ-નામ’ પ્રોજેક્ટ હેઠળ જે યાર્ડોને આવરી લેવાયા છે, તે અંગે પણ દ્વિધા અનુભવાઈ રહી છે. ચણાના પાક માટે બોટાદ યાર્ડ પર પસંદગી ઉતારાઈ છે. જોકે એક અંદાજ મુજબ બોટાદ વિસ્તારમાં ૩૦૦ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થાય છે. સામે દાહોદ વિસ્તારમાં ૩૩૦૦૦ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થાય છે. આમ, વધુ વાવેતર વાળા વિસ્તારના યાર્ડને બદલે ઓછા વાવેતરવાળા વિસ્તારના યાર્ડને યોજના હેઠળ સમાવવા પાછળનું ગણિત સમજાતું નથી.

જોકે બોટાદ યાર્ડમાં ઓનલાઈન વેચાણ માટે ૧૩ જણને મંજૂરી મળી છે. આ યાર્ડમાં ૭ર૧૩ ખેડૂતો, ૩૦૧ વેપારી અને ર૯૮ એજન્ટની નોંધણી થઈ છે અને ૧૪ એપ્રિલથી ર૧ ડિસેમ્બર સુધીમાં ૯૬,૪૭૦ ક્વિન્ટલના ઓનલાઈન વેપાર થયા છે. જેમાં સૌથી વધુ સોદા કપાસના થયા છે. કુલ ૪૮.૯૧ કરોડ રૂપિયાનો વેપાર થયો છે.

ખેડૂતોને એકંદરે ફાયદો થશે
બોટાદ યાર્ડના સેક્રેટરી કાંંતિભાઈ લાડોલા કહે છે, “ઓનલાઈન વેચાણના શ્રીગણેશ થઈ ગયા છે. અત્યારે જે માલ યાર્ડમાં આવે છે અને વેચાય છે તેના આંકડાઓની એન્ટ્રી કમ્પ્યૂટરમાં કરી ચલાવીએ છીએ. અમારો યાર્ડ કપાસનું હબ ગણાવાના કારણે કપાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સરકારની યોજના સારી છે પણ તેનો સંપૂર્ણ રીતે અમલ થતા સમય લાગશે. નોટબંધી પછી ખેડૂતો ચેકથી પેમેન્ટ સ્વીકારવા તૈયાર નથી ત્યારે ઓનલાઈન વેપારમાં વિશ્વાસ કેળવવો અઘરો છે, પરંતુ ખેડૂતોનાં ખાતાંમાં પૈસા જમા કરાવવા યાર્ડ માધ્યમ બનશે. આ માટે દરેક ખેડૂતોએ બેંકમાં ખાતાં ખોલાવવાં પડશે. બોટાદ યાર્ડમાં કેમ્પ ગોઠવીને ૩૦૦થી વધુ ખેડૂતોનાં બેંકમાં ખાતાં ખોલાયાં છે. ખેડૂતો અને વેપારીઓને  યોજના અંગે વાકેફ કરવા જાગૃતિ સેમિનાર પણ ગોઠવાઈ રહ્યા છે. આનાથી લાંબાગાળે એજન્ટ પ્રથા નાબૂદ થઈ જશે અને બે નંબરનો વેપાર પણ ઠપ થઈ જશે જેનો એકંદરે ફાયદો ખેડૂતોને થવાનો છે.”

આ પ્રોજેક્ટ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષી કહે છે, “ખેડૂત યાર્ડમાં પોતાનો માલ લઈ આવે ત્યારે તેનું રજિસ્ટ્રેશન થશે અને કમિશન એજન્ટને ત્યાંથી તેનો લૉટ નંબર નખાશે, જે દરેક વેપારીઓ નિહાળી શકશે અને ચોક્કસ સમયમર્યાદામાં ભાવ નાખી શકશે. સૌથી વધુ ભાવનું બીડિંગ થશે તે જોઈને ખેડૂત હા પાડશે તો જ તેનું વેચાણ થશે, નહીંતર માલ પેન્ડિંગ કરાશે.”

તો રાજકોટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણી કહે છે, “રાજકોટમાં ઈ-ટ્રેડિંગ માટે હાલ કમ્પ્યૂટર મુકાયુું છે. બીજા તબક્કામાં યાર્ડમાં લેબોરેટરી પણ ઊભી કરાશે. જેમાં માલની ચકાસણી કરીને તેની ક્વૉલિટી મુજબ ગ્રેડ અપાશે. અમારા યાર્ડમાં ‘ઈ-નામ’ હેઠળ અત્યારે ૧ર૦૦ વેપારીઓની નોંધણી થઈ ચૂકી છે અને પ૦ કરોડના વેપારો થયા છે.”

યોજના અંગે રાજકોટના નારણકા ગામના ખેડૂત રમેશભાઈ ભોરણિયા કહે છે, “સરકારની આ યોજના સારી છે, પરંતુ ખેડૂતોની પહેલેથી જ માનસિકતા રોકડ વ્યવહારની રહી છે. મોટાભાગના ખેડૂતો અભણ કે અર્ધશિક્ષિત હોવાથી તેમને બેંકના ધક્કા ખાવા ગમતા નથી. માલ તો વેચીએ પણ અમારાં નાણાંનું શું એવી મૂંઝવણ દરેક ખેડૂતોને સતાવે છે. દલાલો પાસેથી જરૂરિયાત વેળાએ એડવાન્સમાં નાણાં મળેે, એટલે ખેડૂતોને નવી યોજનામાં વળતાં સમય લાગી શકે છે.”

તો જૂનાગઢના વેપારી જેન્તીલાલ વસંતજી કહે છે, “ઈ-નામ’ યોજના લાગુ થયા પછી હવે વહીવટ પારદર્શક રહેશે અને ખેડૂતને છેતરાવાનો ભય રહેતો નથી. ચેકથી વેપાર થવા લાગતા જોખમ પણ ઘટ્યું છે. જોકે સવાલ એ છે કે ૩૦થી ૪૦ ટકા ખેડૂતો જ આ પ્રકારના વહીવટમાં સહમત થઈ રહ્યાં છે.”

‘ઈ-નામ’ યોજના હેઠળ ઓનલાઈન મંડીમાં અત્યાર સુધી દેશભરના પાંચ લાખ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે અને રૂ.૩૮૪૧ કરોડનો વ્યાપાર થયો હોવાની માહિતી કેન્દ્રિય કૃષિમંત્રી રાધા મોહનસિંહે આપી હતી. હજુ મોટાભાગના ખેડૂતો જૂની સિસ્ટમથી જ વેચાણ કરે છે. સરકાર આ પ્રોજેક્ટમાં ફૂલ વેચનારાને પણ સામેલ કરવા માગે છે. અમદાવાદમાં તો શાકભાજીના વેપારીઓને પણ જોડવામાં આવ્યા છે અને વ્યાપાર પણ થઈ રહ્યો છે, પરંતુ જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના અમલ બાદ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ટ્રાન્ઝેક્શન વધે તેવી પૂરી સંભાવના છે. દરેક માર્કેટયાર્ડમાં આ પ્રોજેક્ટ ૩૧ માર્ચ, ર૦૧૭ પહેલાં સેવા કાર્યરત કરાશે. જે માટે યાર્ડને કેન્દ્રમાંથી રૂ.૩૦ લાખની અને રાજ્યમાંથી પણ રૂ.૩૦ લાખની સહાય મળશે તેમ વિસાવદર યાર્ડના ચેરમેન પોપટભાઈ રામાણીએ કહ્યું હતુંં.

ટેક્નોલોજીના યુગ સાથે કદમ મિલાવતી આ યોજના અંગેનો સરકારનો ઉદ્દેશ સારો છે, પરંતુ ખેડૂતો અને વેપારીઓ કેટલો સાથ-સહકાર આપે છે તે જોવાનુું રહે છે. આ પ્રોજેક્ટ સામે અનેક અવરોધ પણ છે. આ માટે માર્કેટયાર્ડોએ પણ પૂરતી તૈયારી કરવી પડશે. હાલ તો ‘ઈ-માર્કેટ’ શરૂ કરાયા પછી પણ કેટલાક માર્કેટયાર્ડો ઓનલાઈનને બદલે ઓફલાઈન સોદાઓ પાડી રહ્યા છે. જેના કારણે સરકારની આ યોજનાનો પ્રારંભ સાથે જ ફિયાસ્કો થયો હોય તેમ જણાઈ રહ્યું છે.
http://sambhaavnews.com/

You might also like