મરતે દમ તક એક્ટિંગ કરવી છેઃ કરીના કપૂર

પોતાના રૂપ અને એક્ટિંગથી કરોડો ચાહકો મેળવનાર કરીના કપૂર છેલ્લા થોડા સમયથી ઓછી ફિલ્મો કરી રહી છે. તેમ છતાં પણ તેની કરિયરનો ગ્રાફ ક્યારેય નીચો ઊતર્યો નથી. ખાસ કરીને તેની છેલ્લી ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની સફળતાએ આજે પણ તેને ઇન્ડસ્ટ્રીની હોટ કેક બનાવીને રાખી છે.

આ જ કારણ છે કે તેના ખાતામાં આજે પણ કેટલીક સારી ફિલ્મો છે, જેમાં તેનાં પાત્રો પણ સશક્ત છે. લગ્ન પછી બધાં વિચારી રહ્યાં હતાં કે કરીના ફિલ્મો કરવાનું છોડી દેશે, પરંતુ આજે તેની પાસે સારા પ્રોજેક્ટ્સ છે. તે કહે છે કે હું મારા કામને બહુ પ્રેમ કરું છું અને જ્યારે પણ આ સવાલ ઊઠે છે ત્યારે હું એમ જ કહું છું કે હું મરતે દમ તક એક્ટિંગ કરવા ઇચ્છું છું.


મારા બંને પરિવાર આ બાબતમાં મારી સાથે છે અને ત્યારે જ હું લગ્ન તેમજ માતા બન્યા બાદ પણ મારી કરિયરમાં ટકી શકી છું. કદાચ તેથી જ લગ્ન અને માતા બન્યા બાદ પણ મારી લાઇફમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. સોલો હીરોઇન નહીં, પરંતુ મ‌લ્ટી અભિનેત્રીવાળી ફિલ્મો કરીના વધુ કરી રહી છે.

તે કહે છે કે મારી સમજમાં દરેક ફિલ્મ એકબીજાથી ખૂબ અલગ ન હોય તો પણ થોડી અલગ જરૂર હોય છે. દરેક ફિલ્મની કહાણી કહેવાની ભાષા ખૂબ જ અલગ હોય છે. આજે હું જેવા પ્રકારની ફિલ્મો કરી રહી છું તેવી ફિલ્મો મેં મારી ફિલ્મી કરિયરમાં પહેલાં કરી નથી.

ભલે તે ‘ઉડતા પંજાબ’ હોય કે ‘કી એન્ડ કા’ કે પછી ‘વીરે દી વેડિંગ’, આ બધી ફિલ્મોની કહાણીઓ વાસ્તવિકતાની ખૂબ જ નજીક છે. આટલાં વર્ષની એક્ટિંગ છતાં પણ કરીનાને લાગે છે કે હજુ ઘણું બધું બાકી છે. તે કહે છે કે એક્ટર ક્યારેય પૂર્ણ થઇ શકતો નથી એવું હું એટલે કહી રહી છું કે સારું કામ કરવાની ભૂખ તમારી અંદરથી ક્યારેય જતી નથી. તેથી તમે ક્યારેય પણ સંતુષ્ટ થઇ શકતાં નથી. દર્શકોએ પણ એવું જ બનવું જોઇએ. •

You might also like