તમામ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની કામગીરીમાં જોડાયેલ: નીતિન પટેલ

ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભારે વરસાદને લઇને તમામ પ્રકારની વ્યવસ્થાને લઇને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. મહત્વનું છે કે શક્તિસિંહ ગોહિલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યને લઇને ઊભી થતી અગવડતાને લઇને કેટલાંક આક્ષેપો લગાવ્યાં હતાં. જેથી ડે.સીએમ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. જે વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો છે ત્યાં રાહત કામગીરી પણ ચાલી રહી છે.

અસરગ્રસ્ત લોકોને સલામત જગ્યાએ ખસેડવાની કામગીરી પણ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર પણ બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલ છે. સ્થળાંતર કરાયેલાં લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તમામ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની કામગીરીમાં જોડાયેલાં છે. ગુજરાતનાં અનેક વિસ્તાર હજી સુધી વરસાદથી વંચિત છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે સરદાર સરોવર ડેમમાં પાણી ન હોવાંથી વિદ્યુત પ્રોજેક્ટ બંધ હતાં. ડેમમાં પાણી આવતાં વિદ્યુત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યાં છે. 5000 ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવ્યું હતું. નર્મદા કેનાલમાં છોડાયેલું પાણી બનાસકાંઠા સુધી પહોંચશે.

ખેડૂતોની પાણીની સમસ્યા પણ દૂર થશે. નર્મદા કેનાલ અને સુજલામ સુફલામ કેનાલમાં પુરતું પાણી છોડાશે. રાજ્યનાં 203 ડેમમાંથી 9 ડેમ ઓવરફ્લો થયાં છે. 101 ડેમમાં 25 ટકા કરતાં ઓછું પાણી ભરાયું છે. અન્ય ડેમોમાં 25થી 70 ટકા પાણી ભરાયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી વધુ પ્રમાણમાં પાણી આવે છે.

સમગ્ર વહીવટી તંત્ર હાલ રાહતની કામગીરીમાં જોડાયેલું છે. તમામ અધિકારીઓ કામગીરીમાં જોડાયેલાં છે. સરકારનાં મંત્રીઓ પણ પ્રજાને મદદરૂપ થઇ રહ્યાં છે. પરંતુ વિપક્ષી નેતાએ જે ટીકા કરી તે યોગ્ય નથી. બનાસકાંઠા અને પાટણનાં પૂર અસરગ્રસ્તોને પણ પેકેજ મોકલવામાં આવેલ છે.

You might also like