યુ ટ્યૂબ પર ગેલ સાથે ‘ચેમ્પિયન’ ડ્વેન બ્રાવો ધૂમ મચાવી રહ્યો છે

ચેન્નઈઃ વેસ્ટ ઇન્ડીઝનો દિગ્ગજ ઓલરાઉન્ડર અને ગાયક ડ્વેન બ્રાવોનું કહેવું છે કે તેના ગીત ‘ચેમ્પિયન’ના નવા વર્ઝનમાં આંતરરાષ્ટ્રીય અને ભારતીય સંગીતનો એક અનોખો મેળ છે. યુ ટ્યુબ પર રિલીઝ થયેલા આ ગીતને બહુ થોડા દિવસમાં ચાર લાખથી વધુ વાર નિહાળવામાં આવ્યું છે. આ ગીતમાં બ્રાવો પોતાની વિન્ડીઝ ટીમના સાથી ખેલાડી ક્રિસ ગેલ સાથે નજરે પડી રહ્યો છે. આ વખતે આ ગીત હિન્દી-ઇંગ્લિશ એટલે કે હિંગ્લિશમાં છે. ભલે આ ગીતના શબ્દ બદલી નાખવામાં આવ્યા હોય, પરંતુ ધૂન તો એ જ જૂની ચેમ્પિયન-ચેમ્પિયનની છે. નવેસરથી ફિલ્માવવામાં આવેલા આ ગીતને આ વખતે હિન્દુસ્તાની ટચ આપવાની કોશિશ કરવામાં આવી છે.

ગેલ અને બ્રાવો ‘સ્કોર ચેમ્પિયન સિરીઝ’ના બ્રાન્ડ એમ્બેસેડર છે. રિલીઝ થયેલા તેના ગીતમાં હિન્દી અને અંગ્રેજી શબ્દોનું મિશ્રણ છે. બ્રાવોએ કહ્યું, ”જે રીતે આ ગીતનું સર્જન થયું છે, હું તેનાથી ખુશ છું. આ વીડિયો નવો છે અને તેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંગીતનો અનોખો સુમેળ છે. ક્રિસ અને મેં આ ગીતના નિર્માણ દરમિયાન ‘સ્કોર’ અને તેની ટીમ સાથે ઘણી મજા કરી હતી. આ ગીત બહુ જ સુંદર છે.”

You might also like