ફરજમાં ગેરહાજર રહેવા બદલ અાઈપીએસ સતીશ વર્માને શો કોઝ નોટિસ ફટકારાઈ

અમદાવાદ: ઈશરત જ્હાં એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ના સભ્ય રહી ચૂકેલા વરિષ્ઠ આઈપીએસ અધિકારી સતીશ વર્માને કારણદર્શક નોટિસ બજાવવામાં આવી છે. આ નોટિસ સતીશ વર્માને અનધિકૃત રીતે ફરજ પરથી ગેરહાજર રહેવા બદલ અને કહેવાતી ગેરવર્તણૂકના આરોપને લઈને બજાવવામાં આવી છે.
૧૯૮૬ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સતીશ વર્મા હાલ શિલોંગ સ્થિત નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિકલ પાવર કોર્પોરેશન (નિપકો)ના વિજિલન્સ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ફરજ પરથી અનધિકૃત રીતે ગેરહાજર રહેવા બદલ અને મંજૂરી વગર પ્રવાસ કરવા બદલ સતીશ વર્માનો આ કારણદર્શક નોટિસ બજાવીને ખુલાસો માગવામાં આવ્યો છે. આ નોટિસમાં જણાવાયું છે કે તેમની આ વર્તણૂક અખિલ ભારતીય સેવા અધિકારીઓ માટેના સર્વિસ રૂલના ભંગ સમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈશરત કેસની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગઠિત ત્રણ સભ્યોની સીટમાં સતીશ વર્માનો સમાવેશ કરાયો હતો. સતીશ વર્માએ આ મામલે સીટના અન્ય બે સભ્યોથી અલગ વલણ લીધું હતું. તેમણે હાઈકોર્ટમાં એ‍વી એફિડેવિટ કરી હતી કે આ એન્કાઉન્ટર પૂર્વ યોજિત હતું અને ઈશરત જ્હાં પ્રતિબંધિત લશ્કર એ તોઈબાની આતંકવાદી હોવા પર શંકા વ્યક્ત કરી હતી.

You might also like