ધૂળની ડમરીઓ શમી પણ શહેરમાં પ્રદૂષણ હજુ પણ ભયજનક સ્તરે

ગઇ કાલે સાંજે શહેરમાં ભારે પવન ફુંકાતા ધૂળની ડમરી ઊઠી હતી જેના કારણે હવામાનમાં પ્રદૂષણની માત્રા અસામાન્ય રીતે વધી ગઇ હતી. ચાંદખેડામાં એર-ઇન્ડેક્સ ૭૩૩, પીરાણામાં ૬પ૯, રાયખડમાં ૬૭પ થયો હતો. શહેરનો સરેરાશ ઇન્ડેક્સ પ૧ર નોંધાયો. ગઇકાલની તુલનામાં આજે સવારે આકાશ વધુ સ્વચ્છ છે, તેમ છતાં આશ્ચર્યજનક રીતે અમદાવાદમાં દિલ્હી કરતાં વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું છે.

આમ તો વાયુ પ્રદૂષણની દૃષ્ટિએ અમદાવાદ કરતાં દેશની રાજધાની દિલ્હી વધુ ચર્ચાસ્પદ છે. દિલ્હીનું વાયુ પ્રદૂષણ અનેકવિધ સ્તરે સતત વગોવાતું રહ્યું છે. પરંતુ ગુજરાત આર્થિક પાટનગર અમદાવાદમાં અનેકવાર દિલ્હી કરતા પણ વધારે વાયુ પ્રદૂષણ નોંધાતું રહ્યું છે. દિલ્હીની સરખામણીમાં અમદાવાદમાં વાહનોનો સંખ્યા ઓછી હોવા છતાં વાયુ પ્રદૂષણનું સ્તર ઘણી વખત બમણું થાય છે એ વાત જુદી છે કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ શહેરમાં સતત વધતા જતા વાયુ પ્રદૂષણના મામલે ગંભીર નથી.

આજે સવારે ૭.૩૦ વાગ્યે દિલ્હીમાં સરેરાશ ૧૬૩ હવામાનનો એર ઇન્ડેક્સ નોંધાયો હતો જ્યારે અમદાવાદમાં દિલ્હી કરતાં વધુ એટલે કે ર૯૧ સરેરાશ એર ઇન્ડેક્સ હતો. પીરાણામાં ૩૧૩, રાયખડમાં ૩૦૯ એર ઇન્ડેક્સ નોંધાયો હતો. જે ભયજનક હતો. અન્ય સેન્ટરોના એર ઇન્ડેક્સની વિગત તપાસતાં રખિયાલમાં ર૦૬, ચાંદખેડામાં ર૮૯, બોપલમાં ર૧૬, સેટેલાઇટમાં ૧૭૭, લખવાડામાં ૭૦૬, એરપોર્ટમાં ર૪૯ અને ગિફટ સિટી ૩૩૪ એરઇન્ડેક્સ નોંધાયો હતો.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગઇકાલે શહેરના હવામાનમાં પ્રદૂષણની માત્રા ભયજનક હદે વધી ગઇ હોવા છતાં અમદાવાદીઓ માટે હેલ્થ એડ્વાઇઝરી બહાર પડાઇ ન હતી. જ્યારે લખવાડામાં સફરના એર ઇન્ડેક્સ મશીન લગાવાયાં હોવા છતાં જવાબદાર અધિકારીને આ સ્થળનો અતો પતો ખબર નથી કે લખવાડા ક્યાં આવ્યું છે!

શહેરીજનોને હવામાનમાં અચાનક પલટો આવવાથી ત્વચાને દઝાડતા તાપમાંથી ખાસ્સી એવી રાહ પણ છે. ગઇ કાલે ગરમીનો પારો નીચે ગગડીને ૩પ.ર ડિગ્રીએ જઇને અટક્યો હતો કે જે સામાન્ય તાપમાન કરતા પાંચ ડિગ્રી ઓછું હતું. આગામી શુક્રવાર સુધી શહેરમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી રહેશે. ત્યારબાદના બે-ત્રણ દિવસ પણ ૪૧ થી ૪ર ડિગ્રી જેટલું રહેવાની સંભાવના હોઇ આ આખ્ખું અઠવાડિયું લોકોને આકારા તાપમાં રાહત રહેશે.

You might also like