ડસ્ટબિનમાંથી તરછોડાયેલી માસૂમ જીવતી બાળકી મળી અાવતાં ભારે ચકચાર

અમદાવાદ: ધોળકા ટાઉનમાં બાપા સીતારામ મઢુલી નજીક એક ડસ્ટબિનમાંથી તરછોડેલી માસૂમ બાળકી મળી અાવતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. છેલ્લા દસ દિવસ દરમિયાન અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કુલ નવ જેટલાં નવજાત શિશુ મળી અાવ્યાં હોવાની પોલીસ દફ્તરે નોંધ થઈ છે. ત્યારે ધોળકામાંથી જીવતી બાળકી મળી અાવતા લોકોમાં અરેરાટીની લાગણી જન્મી છે.

અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે સીતારામ મઢુલી પાસે અાવેલ સ્વામિનારાયણ સોસાયટીના ગેટ નજીક ડસ્ટબિન મૂકવામાં અાવેલ છે. અા ડસ્ટબિનમાં સવારે કોઈ વ્યક્તિ કચરો નાખવા અાવતાં તેમાંથી કોઈ બાળક રડી રહી હોવાનું અવાજ અાવ્યો હતો. અાથી કુતૂહલવશ બની સોસાયટીના રહીશે ડસ્ટબિનમાં જોતા તેમાં એક માસૂમ બાળકી જીવંત હાલતમાં જોવા મળી હતી.

અા અંગે ૧૦૮ને તાત્કાલીક જાણ કરવામાં અાવતાં ૧૦૮ના કર્મચારીઓએ તાબડતોબ પહોંચી જઈ બાળકીને ડસ્ટબિનમાંથી જીવંત હાલતમાં બહાર કાઢી પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં અાવી છે. કોઈ મહિલા રાત્રીના સમય દરમિયાન અા બાળકીને ડસ્ટબિનમાં ફેંકી ગયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસ દરમિયાન અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં સરકારી દવાખાના નજીકથી, રાણીપમાં રામ કૃષ્ણ સોસાયટી નજીકથી, કાલુપુરમાં રેલવે સ્ટેશન નજીકથી, નરોડામાં કઠવાડા રોડ પરથી અને હિંમતનગરનાં બસસ્ટેન્ડ નજીકથી નવજાત બાળકીઓ મળી અાવી હતી.
http://sambhaavnews.com/

You might also like