દુરંતોના અકસ્માતના પગલે મુંબઈથી અાવતી ટ્રેનો મોડી

અમદાવાદ: નાગપુર-મુંબઇ દુરંતો એક્સપ્રેસના એન્જિન સહિતના ૭ ડબા આજે સવારે પાટા પરથી ડીરેલ થતાં આ રૂટ પર આવતી-જતી અનેક ટ્રેન મોડી થઇ છે. અચાનક લેન્ડ સ્લાઇડ થવાના કારણે નાગપુર-મુંબઇ દુરંતોના કોચ પાટા પરથી ઊતરી ગયા હતા, જેના કારણે અમદાવાદ આવતી-જતી ૧૦ ટ્રેન હાલમાં ૩.૩૦ કલાકથી વધુ સમય માટે મોડી છે. આ રૂટનો ટ્રેન વ્યવહાર દિવસભર ખોરવાઇ રહેવાની સંભાવના છે.

હજુ દિવસ દરમ્યાન અકસ્માતના સ્થળે સમારકામ કામગીરી ચાલતી હોઇ મોટા પ્રમાણમાં ટ્રેનો મોડી થવાની સંભાવના છે. જોધપુર એક્સપ્રેસ, પુના- ભૂજ એક્સપ્રેસ, વીરમગામ-વલસાડ પેસેન્જર, પુના-અમદાવાદ દુરંતો, શતાબ્દી એક્સપ્રેસ, વડોદરા એક્સપ્રેસ, ગુજરાત ક્વીન, ઓખા પેસેન્જર, અમદાવાદ પેસેન્જર સહિતની ૧૦થી વધુ ટ્રેન અડધા કલાકથી સાડા ત્રણ કલાક તેના નિયત સમય કરતાં મોડી ચાલી રહી છે.

જોકે રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે કલ્યાણ પાસે અકસ્માત થયા હોઇ અમદાવાદ આવતી-જતી ટ્રેનોને વધુ અસર થશે નહીં.

You might also like