આગામી સપ્તાહ દરમિયાન શેરબજારમાં સકારાત્મક ચાલ મળશે જોવા

શેરબજાર ગઈ કાલે છેલ્લે સુધારે બંધ જોવા મળ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૩૫ પોઇન્ટના સુધારે ૩૩,૩૪૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૮ પોઇન્ટના સુધારે ૧૦,૨૮૩ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઈ છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં સાધારણ ૨૮ પોઇન્ટનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ગઇ કાલે ૧૩ વર્ષ બાદ રેટિંગમાં સુધારો કરતાં તેની શેરબજાર ઉપર પોઝિટિવ અસર જોવા મળી હતી. ગઈ કાલે બેન્ક નિફ્ટી રેકોર્ડ સપાટીએ બંધ જોવાઇ છે તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય.

સરકારે એફોર્ડેબલ હાઉસિંગ માટે કરેલા સુધારાથી રિયલ્ટી સેક્ટરના શેરમાં વધારો નોંધાયો હતો એટલું જ નહીં, સપ્તાહ દરમિયાન ઓટોમોબાઇલ સેક્ટર ઇન્ડેક્સમાં ૦.૬૦ ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ૧.૬૮ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો તો બીજી બાજુ મેટલ સેક્ટર ઇન્ડેક્સમાં સપ્તાહ દરમિયાન ૨.૫ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મૂડીઝે રેટિંગમાં સુધારો કરતાં અન્ય રેટિંગ એજન્સીઓ પણ આગામી દિવસોમાં સુધારો કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ નેગેટિવ પરિબળોના અભાવ વચ્ચે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ શકે છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો પણ નીચા મથાળે રોકાણ વધારી રહ્યા છે.

સરકારે તાજેતરમાં જીએસટીમાં ૧૭૮ જેટલી ચીજવસ્તુઓના રેટમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો છે. આગામી દિવસોમાં જીએસટીમાં બે જ સ્લેબ રહેશે તેવા સંકેતો જીએસટીના કાઉન્સિલના સભ્યો દ્વારા આપવામાં આવ્યા છે. તેની શેરબજાર ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી છે એટલું જ નહીં, વૈશ્વિક મોરચે નેગેટિવ પરિબળોનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે શેરબજારમાં મોટા ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકાર બેન્કોમાં મોટા પ્રમાણમાં રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા હાથ ધરી શકે છે અને તેનો સીધો ફાયદો આગામી દિવસોમાં બેન્કોને મળે તેવી શક્યતા છે તે સેન્ટિમેન્ટ પાછળ મોટા ભાગની જાહેર અને ખાનગી સેક્ટરની બેન્કમાં સુધારાની ચાલ જોવા મળી હતી. જે આગામી દિવસોમાં પણ જોવા મળી શકે. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે નિફ્ટી ૧૦,૨૩૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવી શકાય, જ્યારે ૧૦,૩૫૦-૧૦,૪૦૦ અવરોધ લેવલ ગણાવાય.

આગામી સપ્તાહે આ કંપનીનાં પરિણામ આવશે
સોમવારઃ ગ્રેવિટા, રોલ્ટા, વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ
મંગળવારઃ સીએલ એજ્યુકેટ, ગાર્ડન સિલ્ક, જેનેસેસ ઇન્ટરનેશનલ, માણેકશિયા, વેટસ્પિન ઇન્ડિયા લિ.
બુધવારઃ એશિયન ટાઇલ્સ, ગરવારે વોલ રોપ્સ, લાયકા લેબ્સ, ૨૦ માઇક્રોન્સ
ગુરુવારઃ મોન્સેન્ટો, સિમેન્સ, મોનાર્ક
શુક્રવારઃ આરબીએલ બેન્ક, રાજશ્રી શુગર

You might also like