દુર્ગા પાણી લેવા ગઈ અને ભરતે પાણીમાં ભેળવેલી ઝેરી ગોળી ખાવામાં નાખી દીધી

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહત પાસેની જય રણછોડ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી દુર્ગાનું તેના જ પતિ ભરતે ઝેરી જમવાનું જમાડ્યા બાદ તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાનો ઘટસ્ફોટ પોલીસે કર્યો છે. સોશિયલ મીડિયાની એડિક્ટ થઇ ગયેલી દુર્ગા સાથે છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલા ઝઘડાનો અંત લાવવા માટે ભરતે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને તેને મોતને ધાટ ઉતારીને પોતે અજાણ હોવાનું નાટક કરી રહ્યો હતો. જમતી વખતે દુર્ગાને પાણી લેવા જવાનું કહીને ભરતે તેની જમવાની થાળીમાં પાણીમાં ભેળવેલું ઝેર મિલાવી દીધું હતું.

ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વાસહત પાસે જય રણછોડ પાર્ક સોસાયટીના મકાન નંબર ૩૩માં ભાડાના મકાનમાં રહેતા ગિરીશભાઇ પરમારે તેની ૩૦ વર્ષિય પત્ની દુર્ગાની હત્યા કરી તેના મોતને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. છેલ્લાં દસ વર્ષથી દુર્ગા અને ભરત વચ્ચે યેનકેનપ્રકારેણ મામલે બબાલ થતી હતી. જેના કારણે ભરતે દુર્ગાની હત્યા કરવાનો પ્લાન બનાવી લીધો હતો. દુર્ગા છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાની એડિક્ટ થઇ ગઇ હતી. આ મામલે એક અઠવાડિયા પહેલા ભરતે દુર્ગાનું ટેબ્લેટ તોડી નાખ્યું હતું.

દુર્ગાનું ટેબ્લેટ તૂટી જતાં ભરત પાસે નવો મોબાઇલ ફોન લેવા માટે જિદ કરતી હતી. આ મુદ્દાને લઇને પાંચેક દિવસ પહેલા દુર્ગાનું ઢીમ ઢાળી દેવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. ગત મંગળવારથી ભરત નોકરી પર જવાનું બહાનું કાઢીને ઘરમાંથી જતો રહેતો હતો. ગત શુક્રવારના દિવસે સાહિલને સ્કૂલે નહીં જવું હોવા છતાંય ભરત તેને મારીને સ્કૂલે મૂકી ઘરે પાછો આવ્યો હતો.

જ્યાં પહેલેથી તેણે અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવીને રાખી હતી. દુર્ગા અને ભરત સાથે જમવા બેઠાં ત્યારે દુર્ગાને પીવા માટે પાણી લેવા જવાનું કહ્યું હતું. દુર્ગા પાણી લેવા માટે ગઇ તે સમયે ભરતે ઝેરી દવાનું મિલાવટવાળું પાણી દાળ શાકમાં ભેળવી દીધું હતું.

દુર્ગા ઝેરી જમવાનું ખાતી હતી તે તમાશો ભરત જોઇ રહ્યો હતો અને તેના મોતનો આનંદ લઇ રહ્યો હતો. જ્યારે દુર્ગાને ઝેરની અસર થઇ ત્યારે તે તરફડિયાં મારી રહી હતી. જેમાં ભરતે તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. દુર્ગાની લાશને પલગ પર મૂકીને તેને ચાદર ઓઢાવી હતી અને તેની લાશ પાસે એકાદ કલાક બેસી રહ્યો હતો ત્યારબાદ ગેસનું સિલિન્ડર ચાલુ કરીને જતો રહ્યો હતો.

સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ દુર્ગા સાહિલને સ્કૂલમાં લેવા માટે નહીં જતાં સ્કૂલના સંચાલકોએ ભરતને ફોન કરીને જાણ કરી હતી. હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે ભરતે દુર્ગાને ફોન કર્યો હતો.દુર્ગા ફોન નહીં ઉપાડતાં ભરતે તેની માસિયાઇ બહેનને ફોન કરીને સાહિલને સ્કૂલમાંથી લેવા જવા માટેનું કહ્યું હતું.

મકાન માલિક ઉષાબહેન અને ભરતની માસિયાઇ બહેન જ્યારે દુર્ગાબહેનના ઘરમાં ગયાં ત્યારે તેમના ઘરમાં ગેસ લીકેજ થતો હોવાની ગંધ આવતી હતી. દુર્ગાબહેનને ઉઠાડવા માટે બંને મહિલાઓ તેમની પાસે ગઇ ત્યારે તેમણે ચાદર ઓઢેલી હતી. મકાન માલિકના સ્ટેટમેન્ટ પર ભરત પર શંકા રાખીને પૂછપરછ કરતાં તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.

You might also like