ડુપ્લીકેટ ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ અાઠની ધરપકડ

અમદાવાદ: છોટાઉદેપુર જિલ્લાના કુંભાણી ગામે સેન્ટ્રલ ઈક્સાઈઝ, પોલીસ અને વહીવટીતંત્રએ એક સંયુક્ત ઓપરેશન કરી ડુપ્લીકેટ ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપી લઈ અાઠ પરપ્રાંતિય શખસની ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે છોટાઉદેપુરના અાદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ ગુટકા બનાવવાનો ગોરખ ધંધો છેલ્લા કેટલાક વખતથી ચાલી રહ્યું હોવાની બાતમી જિલ્લા પોલીસ, વહીવટીતંત્ર અને સેન્ટ્રલ એક્સાઈઝને મળી હતી. અા બાતમીના અાધારે ત્રણેય એજન્સીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કુંભાણી ગામે બે માળના મકાનમાં છાપો મારી જાણીતી બ્રાન્ડના ડુપ્લીકેટ ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપી લીધી હતી.

મળતી માહિતી પ્રમાણે નકલી ગુટકાનો ગોરખ ધંધો કરનારી ટોળકી ડુપ્લીકેટ ગુટકા બનાવી તેનું વ્યવસ્થિત પેકિંગ કરી ગુટકાનો મોટો જથ્થો જુદા જુદા શહેરોમાં અને ગામોમાં મોકલી લોકો સાથે છેતરપિંડી કરતી હતી. પોલીસે દરોડા દરમિયાન અાઠ પરપ્રાંતિય શખસની ધરપકડ કરી હતી. અા શખસની પુછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી મળવા પામી છે.

દરોડાની કાર્યવાહી દરમિયાન કુંભાણી ગામમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને ઓપરેશન કરી રહેલ સરકારી કર્મીઓ પર ટોળાઓએ પથ્થરમારો કરતાં નાસભાગ મચી ગઈ હતી અને ભયની લાગણી પસરી હતી. પકડાયેલા અારોપીઓની પુછપરછ દરમિયાન કરોડો રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીની ચોરી બહાર અાવવાની સંભાવના છે. દરોડા દરમિયાન પોલીસે ડુપ્લીકેટ ગુટકાનો જથ્થો, ગુટકા બનાવવાની મશીનરી તેમજ નાના-મોટા વાહનો મળી લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અા દિશામાં ઝિણવટભરી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like