અમરાઈવાડીમાં પકડાયેલો 35 લાખનો દારૂ duplicate: મોહાલીમાં બનાવાયો હતો

અમદાવાદ: દારૂના ધંધાને જડમૂળથી ઉખાડી દેવા માટે અને બુટલેગરો પર રોક લગવવા માટે પોલીસે હવે પર પ્રાંતમાં જઇને પણ તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. થોડાક દિવસ પહેલાં અમરાઇવાડી વિસ્તારમાં પકડાયેલા ૩૫.૪૬ લાખના દારૂના કેસમાં પોલીસ ચાર રાજ્યમાં તપાસ કરશે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પંજાબમાં આવેલ મોહાલીની એક ફેક્ટરીમાં ડુપ્લિકેટ દારૂ બન્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજસ્થાનમાં દારૂના ઠેકેદાર એવા સાળા બનેવીએ આટલો મોટો જથ્થો અમદાવાદમાં મોકલાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

અમરાઇવાડી વિસ્તારમાંથી થોડાક દિવસ પહેલાં ડીસીપી ઝોન પાંચ સ્કવોડે ૩૫.૪૬ લાખનો દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો. આટલો મોટો દારૂનો જથ્થો પકડાતાં બુટલેગર અને અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.એમ.દેસાઇ સહિત તમામ પોલીસ કર્મચારીઓના સંબધોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ડીસીપી ઝોન પાંચના સ્કવોડને બાતમી મળી હતી કે દારૂના કેસમાં નાસતા ફરતા લિસ્ટેડ બુટલેગર અમિત ઉર્ફે પ્ટિક દૂબે (રહે દશરથલાલની ચાલી, અમરાઇવાડી), મદન ઉર્ફે સંતોષ રાજપૂત (રહે, ગુલાબનગર, અમરાઇવાડી), દિલીપ મોર્યા (રહ, દશરથલાલની ચાલી, અમરાઇવાડી) સહિત અન્ય ત્રણ જણાએ ભેગા મળીને દારૂનો જથ્થો મગાવ્યો છે. બાતમીના આધારે ઝોન પાંચ ના સ્કવોડે દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.

ડીસીપી સ્કવોડે મોહમદ કપલાખાન સિંગલ (રહે, રાજસ્થાન)ની ધરપકડ કરી છે જ્યારે ડ્રાઇવર નાસીર ફરાર થઇ ગયો છે. કપલાખાનની પૂછપરછમાં આ દારૂ રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો. પોલીસે ૩૫.૪૬ લાખ રૂપિયાની ૭૦૯૨ નંગ વિદેશી દારૂની બોટલો તેમજ સાત લાખ રૂપિયાની ટ્રક કબજે કરી હતી.

પોલીસે આરોપી મોહમદ કપલાખાનની પૂછપરછ કરતાં ઘણા ખુલાસા થયા હતા. પંજાબના મોહાલીની એક ફેકટરીમાં ડુપ્લિકેટ દારૂ બન્યો છે જેને રાજસ્થાનમાં લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને અમદાવાદમાં લાવવામાં આવ્યો છે. દારૂના કેસમાં રાજસ્થાનના ઠેકેદાર એવા ભરત ડાંગી અને શકરાજીનું નામ સામે આવ્યું છે. બંને જણા સાળા બનેવી થાય છે અને અમિત, મદન, દિલીપ, હરિશંકર, આકાશ અને સોહનલાલને દારૂ સપ્લાય કરે છે.

આ મામલે ઝોન પાંચના ડીસીપી હિમકર સિંધે જણાવ્યું છે કે રાજસ્થાનથી દારૂ આવ્યો હતો. જેને અમિત, મદન, દિલીપ, હરિશંકર, આકાશ અને સોહનલાલે મગાવ્યો હતો.

દારૂનો જથ્થો અંબાલાથી હરિયાણા પાસિંગની ટ્રકમાં લોડ થયો હતો. ઠેકેદારોની તપાસ ચાલુ છે હાલ પોલીસ રાજસ્થાન,પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં તપાસ કરવા માટે જશે. આ સિવાય દારૂના સેમ્પલને એફએસએલમાં ચકાસણી માટે પણ મોકલી આપવામાં આવ્યું છે.

You might also like