બોટલ પ્રીમિયમ વ્હિસ્કીની, અંદરનો માલ ‘ટિંચર’

અમદાવાદ: જૂની બોટલમાં નવો દારૂ આ કહેવત તો આપણે અનેક વાર સાંભળી જ છે, પરંતુ ૩૧ ડિસેમ્બરની વિશેષ તૈયારીઓના ભાગરૂપે શહેરના બુટલેગરોએ આ કહેવતને સાર્થક કરી બતાવી છે. મોંઘી બ્રાન્ડના શોખીન મદિરાપ્રેમીઓ પાસેથી તગડી રકમ પડાવવા માટે અનેક બુટલેગરોએ હાલ મોટા પાયે જૂની બોટલમાં દારૂ ભરવાની પ્રવૃત્તિ આરંભી છે. સસ્તો પરંતુ મોંઘી બ્રાન્ડનો શોખ ખિસ્સા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ જોખમી નિવડી શકે છે. સસ્તો વ્હીસ્કી પીવાના શોખીનોમાં ‘ટાંચર’ તરીકે અોળખાય છે. બુટલેગરો પાસેથી મળતી મોંઘાભાવની વ્હીસ્કીમાં પણ ટાંચરની ભેળસેળ હોય છે.

બુટલેગરો દિલ્હી ચકલા, મેમનગર, ભાવસાર હોસ્ટેલ, માધવપુરા, બાપુનગર વિસ્તારમાં આવેલી ભંગાર-પસ્તીની દુકાનેથી મોંઘીદાટ બ્રાન્ડની ખાલી બોટલો ખરીદી હતી. શહેરના ઘણા બુટલેગરો આ રીતે ખાલી બોટલોમાં સસ્તા દારૂથી માંડી પેપ્સી, પાણી, સોડા વગેરે જેવી મિલાવટ શરૂ કરીને શોખીનો પાસેથી હજારો રૂપિયા પડાવે છે. ક્યારેક તેમાં હાનિકારક પદાર્થોની પણ મિલાવટ થાય છે. માત્ર અમદાવાદમાં જ નહીં, સમગ્ર રાજ્યમાં બુટલેગરો આ પ્રકારની છેતરપિંડી ચલાવે છે અને દરેક વખતે પોલીસના દાવાઓને પોકળ સાબિત કરે છે. તાજેતરમાં જ ગાંધીનગર જિલ્લામાંથી વિદેશી દારૂ બનાવવાની આખી ફેકટરી પકડાઈ હતી, જેમાં અમદાવાદના કેટલાક બુટલેગર ગાંધીનગર જિલ્લામાંથી દારૂ લાવી વેચાણ કરતા હતા.

એક બુટલેગરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘સસ્તા દારૂવાળી કીમતી બોટલો પણ દરેક ગ્રાહકને મળશે નહીં એટલે કે કાયમી ન હોય તેવા ગ્રાહકો માટે ઠંડાં પીણાં, પાણી કે દેશી દારૂની મિલાવટ દ્વારા દારૂ બનાવવામાં આવશે. સામાન્ય રીતે આ પ્રકારની મિલાવટમાં ૨૫ ટકા દારૂ, જ્યારે બાકીના ભાગમાં ઠંડાં પીણાં-પાણી કે દેશી દારૂ હોય છે, જોકે મોટા ભાગના લોકોને કંઈ ખબર પડતી ન હોવાથી આ ચાલાકી પકડાતી નથી.’

ન્યૂ યર માટે ઠલવાયેલો ૭૫ ટકા દારૂ ભેળસેળિયો હશે
૩૧ ડિસેમ્બરની ઉજવણીને નશીલી બનાવવા માટે દારૂની કુ-પ્રથા જાણે કે અનિવાર્ય બની છે. આ પ્રસંગે પોલીસનું સઘન ચેકિંગ હોવા છતાં આ બદી દિન-પ્રતિદિન વધુ પ્રસરતી જાય છે. ન્યુ યર સેલિબ્રેશનમાં રૂ.૩૦૦થી માંડીને રૂ.૧૫,૦૦૦ સુધીની વિવિધ બ્રાન્ડની ભરપૂર માગ રહેતી હોય છે. આ તકનો લાભ લેવા મોટા ભાગના બુટલેગરો કોઈ અવાવરું જેવા દેખાતા મકાન પર પસંદગી ઉતારે છે. બુટલેગર ઘરની અંદર પોતાનું ‘કામ’ કરતો હોય ત્યારે મકાનને બહારથી તાળું મારીને બહાર તેનો સાગરીત ચોકી કરતો હોય છે. એક અંદાજ મુજબ ૩૧ ડિસેમ્બરના રોજ મળતા કીમતી દારૂમાંથી ૭૫ ટકા દારૂ આ પ્રકારનો હશે.

એક ખાલી બોટલના ૩૫ રૂપિયા
સસ્તી કિંમતમાં મોંઘી બોટલો તૈયાર કરી આપવા માટે બુટલેગરે પસ્તીની વિવિધ દુકાનો પરથી રૂ. ૧૫૦૦થી રૂ.૨૦૦૦માં વેચાતા દારૂની એક ડઝન ખાલી બોટલો ખરીદી હતી. આ બોટલો પરના સ્ટીકર યથાવત્ હોય તો બુટલેગરો ખાલી બોટલદીઠ રૂ.૩૫ ચૂકવે છે. તદુપરાંત બૂચના ૨૦ રૂપિયા અને ખાલી ખોખાના ૨૦ રૂપિયા અલગ!

You might also like