જાલી નોટ કૌભાંડઃ પરપ્રાંતીય મજૂરો પર એટીએસ-ક્રાઈમબ્રાંચની ગુપ્ત વોચ

અમદાવાદ: ગુજરાત સહિતનાં પાંચ રાજ્યમાં પરપ્રાંતીય મજૂરો દ્વારા જાલી નોટો ઘુસાડવાના કારસ્તાનની ચોંકાવનારી કબૂલાતના પગલે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુકતપણે ગુપ્ત વોચ ગોઠવી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે ગુજરાત સહિત પાંચ રાજ્યમાં બનાવટી નોટોનો મોટો જથ્થો ઘુસાડવામાં આવ્યો હોવાની ગેંગના મુખ્ય સૂત્રધાર ઉત્તમકુમારે એનઆઇએ સમક્ષ કરેલી કબૂલાતને પગલે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

આ ગેંગે ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ સહિતનાં પાંચ રાજ્યમાં ચાર કરોડથી વધુ રૂ.૧,૦૦૦, રૂ.પ૦૦ના દરની જાલી નોટો ઘુસાડી હોવાનું જાણવા મળ્યું છે. આ ગેંગ ગરીબ મજૂરોનો આ કૌભાંડમાં ઉપયોગ કરતી હોવાનું પણ ખૂલવા પામ્યું છે.

આ ચોંકાવનારી માહિતીના આધારે રાજ્યના પોલીસવડા પી. સી. ઠાકુરે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણા જિલ્લા પોલીસવડાઓને આવી ગેંગ પર વોચ રાખી તાત્કાલિક પકડી પાડવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. બનાવટી નોટના માસ્ટર માઇન્ડ ગણાતા સમા રઇશને ગુજરાત એટીએસએ અત્રે લાવી અજ્ઞાત સ્થળે સઘન પૂછપરછ શરૂ કરી છે. આ ગુનેગારની ઊલટતપાસ દરમિયાન હજુ પણ ચોંકાવનારાં રહસ્ય ખૂલશે તેવું પોલીસ સત્તાવાળાઓ માની રહ્યા છે.

You might also like