પરપ્રાંતીય કામદારો દ્વારા ગુજરાતમાં બનાવટી નોટો ઘુસાડવાનો કારોબાર

અમદાવાદ: પરપ્રાંતીય કામદારો દ્વારા ઊંચી ક્વોલિટીની એક હજાર અને ૫૦૦ રૂપિયાની બનાવટી નોટો ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ઘુસાડવાનો ચોંકાવનારો ખુલાસો ગેંગના મુખ્ય સૂત્રધાર ઉત્તમકુમાર સિંહ ઉર્ફે નંદલાલસિંહે એનઆઇએ સમક્ષ કર્યો છે, જેના પગલે એનઆઇએ દ્વારા ગુજરાત સહિત પાંચેય રાજ્યના પોલીસ વડાને બનાવટી નોટો ઘુસાડનારાં તત્ત્વો ઉપર વોચ રાખવા માટે તાકીદ કરવામાં આવી છે. એટલું જ નહીં અગાઉ કુરિયર મારફતે કરોડો રૂપિયાની હાઇ ક્વોલિટીની નોટો ગુજરાતમાં ઘુસાડવામાં આવી હોવાની દિલ્હીના પકડાયેલા આરોપીઓ દ્વારા એનઆઇએ સમક્ષ કબૂલાત કરી હતી.

એનઆઇએનાં સૂત્રોએ જણાવ્યા મુજબ આરોપીએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દેશનાં અન્ય રાજ્યોમાં છેલ્લાં કેટલાંક વર્ષમાં ચાર કરોડથી વધુ હાઇ ક્વોલિટીની એક હજાર અને ૫૦૦ની બનાવટી નોટો ઘુસાડવાનો વ્યવસ્થિત નેટવર્કનો ફેલાવો કર્યો હતો. મૂળ પશ્ચિમ બંગાળના બંકુરા જિલ્લાના સલુઇપહરી ગામના રહેવાસી ઉત્તમકુમાર સિંહા ઉર્ફે નંદલાલસિંહને એનઆઇએ સમક્ષ કેટલીક ચોંકાવનારી કબૂલાતકરી હતી.

એનઆઇએ દ્વારા સમગ્ર બનાવટી નોટોના કૌભાંડની તપાસ હાથમાં લીધા બાદ આ કેસના મુખ્ય સૂત્રધાર ઉત્તમસિંહ હોવાનું બહાર આવવા પામ્યું હતું. ઉત્તમસિંહની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરતાં પ્રાથમિક તપાસમાં સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો. દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ અને અન્ય વિભાગમાં પરપ્રાંતીય મજૂરો અને કડિયાઓને બનાવટી નોટો અપાતી હતી. આ બનાવટી નોટો જે તે વિસ્તારની બેન્કમાં ભરવામાં આવતી હતી.

ઉત્તમસિંહે એવી પણ કબૂલાત કરી કે હાઇ ક્વોલિટીની બનાવટી નોટો તે બાંગ્લાદેશમાંથી મેળવતો હતો અને દેશભરમાં રહેતા તેના ગેંગના સભ્યોને પહોંચાડતો હતો. તેની અગાઉ ગુજરાત અને ઝારખંડ પોલીસે બનાવટી નોટોના પ્રકરણમાં તેની ધરપકડ કરી હતી, પરંતુ તે જામીન પર છૂટી જતાં તે ફરીથી દાણચોરી માટેનું નેટવર્ક સક્રિય કરતો હતો.

You might also like