ખારીકટ કેનાલના પાળા પર છાણાં થપાય છે અને ગાયો બંધાય છે

અમદાવાદ: એશિયાની સૌથી મોટી ડસ્ટબિન તરીકે ઓળખાતી ખારીકટ કેનાલની સફાઈનું અભિયાન ગત તા.૧ મે, ૨૦૧૮થી મ્યુનિસિપલ તંત્ર દ્વારા ધરાયું છે. આજ દિન સુધીમાં આશરે ૨૯,૦૦૦ મેટ્રિક ટન કચરો કેનાલમાંથી બહાર કઢાતાં આ કામગીરી ટોક ઓફ ધી ટાઉન બની છે. જો કે ખારીકટ કેનાલના પાળા પર છાણાં થાપવાં, ગાયો બાંધવી અને છાપરાં બનાવવાં જેવાં સતત વધતાં જતાં દબાણ પણ ચર્ચાસ્પદ બન્યાં છે.

શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાંથી પસાર થતી આશરે ૨૧ કિમી લંબાઈ ધરાવતી ખારીકટ કેનાલની સફાઈમાં અંદાજે ૫.૫ કિમી લંબાઈની બ્રાન્ચ કેનાલનો પણ સમાવેશ કરાયો છે. અત્યાર સુધીમાં સત્તાવાળાઓએ ૨૩.૭૩ કિમી લંબાઈ ધરાવતી ખારીકટ કેનાલની સફાઈ કરી છે અને હાલમાં ૧૧ જેસીબી, ૨૨ ડમ્પર, ૩ ટ્રેકટર સહિત અંદાજે ૪૦ વાહનો કાર્યરત છે. આગામી તા.૩૧ મે સુધી સફાઈ અભિયાન ચાલશે.

જો કે સફાઈ અભિયાન દરમિયાન કેનાલના પાળા પર છાણાં થાપવાં, ગાયો બાંધવી અને છાપરાં બનાવવાં જેવાં દબાણનો મામલો પણ ચર્ચાસ્પદ બન્યો હતો. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દે ભાજપના સભ્યોએ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના એસ્ટેટ અધિકારી પર પસ્તાળ પાડી હતી.

ખારીકટ કેનાલમાં સીધો કચરો ફેંકતાં વાહનને જપ્ત કરવાની માગણી ભાજપના સભ્ય ગૌતમ પટેલે કરી હતી. તેમણે ગટરનાંં ગેરકાયદે કનેકશનને કાપવાં અને જ્યાં શક્ય હોય ત્યાં તેનું શિફટિંગ કરવાના મામલે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં સંબંધિત અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.

જોકે મહિલા સભ્ય ડો. ચંદ્રાવતીબહેન ચૌહાણે ગેરકાયદે કનેકશન કાપવાથી કેનાલ પાસેની આશીર્વાદ સોસાયટીમાં ગટર બેક મારવાની સમસ્યા અંગે તંત્રનું ધ્યાન દોરતાં વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની સમસ્યા ઓઢવ અને વિરાટનગરમાં હોઈ ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થાની વિચારણા થવી જોઈએ.

જ્યારે ગૌતમ કથીરિયાએ કેનાલ પર ચેતવણીનાં બોર્ડ લગાવવાં તેમજ લોકજાગૃતિ માટે પત્રિકા વહેંચવાની રજૂઆત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના મોટાભાગના સભ્યોએ કેનાલના રિપેરિંગ કામ તત્કાળ હાથ ધરવાની પણ ઉગ્ર માગણી કરી હતી.

You might also like