ડમ્પરની ટ્રોલી હાઇટેન્શન વાયરને અડી જતાં ક્લીનરનું કરંટ લાગતાં મોત

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સત્યમેવ હોસ્પિટલની પાછળ આજે વહેલી સવારે ફ્લેટની સ્કીમમાં રેતીનું ડમ્પર ખાલી કરવા જતાં ટ્રોલી ઉપરથી પસાર થતા હાઇટેન્શન વાયરને અડી ગઇ હતી. દરમિયાનમાં પાછળનો દરવાજો ખોલવા જતાં ક્લીનર ટ્રોલીનેે અડકતાં તેનું કરંટ લાગતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચાંદખેડા પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ચાંદખેડાની સત્યમેવ હોસ્પિટલ પાછળ આસ્થા ફલેટ નામની સ્કીમ બની રહી છે. આ સ્કીમમાં ગત મોડી રાતે મોટેરાના વેલજીભાઇના કૂવા ખાતે રહેતા સરદારજી પીરાજી વણઝારા અને ડ્રાઇવર રેતી ભરેલું ડમ્પર ખાલી કરવા આવ્યા હતા.

દરમિયાનમાં વહેલી સવારે ડ્રાઇવર દ્વારા ડમ્પરની ટ્રોલી ઊંચી કરીને રેતી ખાલી કરવામાં આવી રહી હતી ત્યારે ટ્રોલી ઉપરથી પસાર થતા યુજીવીસીએલના હાઇટેન્શન વાયરને અડી ગઇ હતી. રેતી ખાલી કરવા માટે પાછળનો દરવાજો ખોલવા ગયેલા કલીનર સરદારજી વણઝારાનું આ અંગે કોઇ ધ્યાન ગયું ન હતું અને ટ્રોલીના દરવાજાને અડકતાં જ તેઓને કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like