ડમ્પરચાલકે બાઈક સવારને અડફેટે લેતાં યુવાનનું મોત

અમદાવાદ: શહેરના અખબારનગર સર્કલ પાસે ગઇકાલ સાંજના સમયે બેફામ દોડતા મ્યુ. કોર્પોરેશનના ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લેતાં નવા વાડજના યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત કર્યા બાદ આરોપી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે અખબારનગર સર્કલ પાસે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. જેના કારણે એક કલાક જેટલો સમય ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. આ બનાવ અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજ વિસ્તારમાં દેવાશીષ સોસાયટીમાં રહેતા અશેષભાઈ ચીનુભાઈ પટેલ (ઉં.વ.૪૦) આજે સાંજના ચારેક વાગ્યાના સુમારે પોતાની બાઈક લઈને અખબારનગરના કિટલી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે તેમની મોબાઈલ ઉપર વાત ચાલતી હતી. ત્યારે જય અંબે પાન કોર્નરની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના કચરો લઈને જતાં ડમ્પરના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને અશેષભાઈની બાઈકને અડફેટે લીધી હતી. જેના કારણે ડમ્પરની અડફેટે આવતાં અશેષભાઈ ફંગોળાઈ જતાં તેમનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ એએમસીનો ડમ્પર ચાલક ડમ્પર મૂકીને નાસી ગયો હતો.

અખબારનગર સર્કલ પાસે થયેલા આ અકસ્માતની ઘટના બાદ લોકોનો ટોળેટોળા ઉમટ્યા હતા. જેના કારણે અખબારનગર સર્કલ પાસે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. ભીડ એકઠી થતાં સર્કલ ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. એક કલાકની જહેમત બાદ ટ્રાફિક હળવો બન્યો હતો.

આ બનાવ અંગે મૃતક અશેષભાઈના કાકા ઘનશ્યામભાઈ છોટાલાલ પટેલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસમથકમાં ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપી ડમ્પર ચાલકને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

You might also like