હાથની મહેંદીનો રંગ ઊતરે તે પહેલાં જ અકસ્માતમાં દુલહનનું મોત, દુલ્હાને ઇજા

અમદાવાદ: રાજકોટ શહેરમાં ૧પ૦ ફૂટ રિંગરોડ પર ટ્રકે સ્કૂટર પર જઇ રહેલા નવ પરિણીત યુગલને અડફેટે લેતા સર્જાયેેલા અકસ્માતમાં દુલહનનું હાથની મહેંદીનો રંગ ઊતરે તે પહેલાં જ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે દુલ્હાને ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે લોકોમાં શોકનું મોજું છવાઇ ગયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટની ભક્તિનગર સોસાયટીમાં રહેતા કોયાણી પરિવારની એકની એક પુત્રી પ્રિયંકાના હજુ ગત રવિવારે જ મોટા મૌવામાં રહેતા જય ધીરુભાઇ ઠુમ્મર નામના યુવાન સાથે લગ્ન થયા હતા. હજુ બંને પરિવારો લગ્નનાં માહોલમાંથી બહાર પણ નીકળ્યા ન હતા ત્યારે ગઇકાલે સાંજે નવવધૂ પ્રિયંકા અને તેનો પતિ જય બંને સ્કૂટર પર તેના ફૈઇબાના દીકરા અનિલભાઇને ત્યાં ચા-નાસ્તો કરવા માટે જવા નીકળ્યા હતા.

દરમ્યાનમાં ૧પ૦ ફૂટ રિંગરોડ પર કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે સામેથી પુરઝડપે આવી રહેલી ટ્રકે સ્કૂટરને અડફેટે લેના આ ગમખ્વાર ઘટના બની હતી. જેમાં ટ્રકનું વ્હીલ માથા પર ફરી વળતા દુલહન પ્રિયંકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેના ‌પતિને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like