લૂંટેરી દુલ્હન લગ્નનાં પાંચમા દિવસે જ ઘરેણાં અને રોકડ લઇ રફુચક્કર

અમદાવાદ, શુક્રવાર
ડીસામાં રહેતો એક કાપડનો વહેપારી દિલ્હીની ઠગ ગેંગનો ભોગ બનતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. લગ્નનાં પાંચમા દિવસે જ દુલહન સોનાનાં ઘરેણાં અને રોકડ રકમ લઇ રફુચક્કર થઇ જતા આ અંગે ડીસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનાની વિગત એવી છે કે, ડીસા શહેરમાં પાટણ ચાર રસ્તા પાસે આવેલ ગણેશકૃપા સોસાયટીમાં રહેતો નવીનકુમાર ભગવાનદાસ ખત્રી ડીસામાં જ રેડીમેઇડ કપડાની દુકાન ધરાવે છે. આ વેપારીના લગ્ન થયેલ ન હોવાથી તે યુવતીની શોધમાં હતો દરમ્યાનમાં થોડા દિવસ પહેલાં તે દિલ્હીની યુવતી પ્રિયંકા રાજારામના સંપર્કમાં આવ્યો હતો અને સંબંધો આગળ વધારી તેણે આ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

આ લગ્ન કિશનલાલ શર્મા નામના દલાલે કરાવી આપ્યા હતા. લગ્ન થયા બાદ યુવતી નવીન સાથે ડીસા આવી હતી. લગ્નનાં પાંચમા દિવસે જ રાત્રીના સુમારે આ દુલહન નવીનનાં ઘરમાંથી રૂ.૧.પ૦ લાખ રોકડા અને સોનાનાં ઘરેણાં લઇ ફરાર થઇ ગઇ હતી.

આ ઘટનાની જાણ થતાં જ ગણેશકૃપા સોસાયટીમાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા અને ભારે ચકચાર જાગી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ આ અંગે ગુના દાખલ કરી ઘરેણાં લઇ ભાગી ગયેલી યુવતીની સઘન શોધખોળ શરૂ કરી છે અને ડીસા પોલીસે દિલ્હી પોલીસનો પણ સંપર્ક સાધ્યો છે. હજુ સુધી યુવતીનો અત્તોપત્તો મળ્યો નથી.

You might also like